VIDEO: Narmada / તરાવ નદી પરનો ચેકડેમ બિસ્માર હાલતમાં, ખેડૂતોના માથે સિંચાઈનું સંકટ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કોલીવાડા (બોગજ) ગામે તરાવ નદી પર આવેલો ચેકડેમ અત્યારે વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતાનો નમૂનો બની રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલો આ ચેકડેમ યોગ્ય જાળવણીના અભાવે અત્યારે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ભરઉનાળે ખેડૂતોને પિયત માટે પાણીના વલખા મારવા પડી રહ્યા છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ ચેકડેમની સ્થિતિ અત્યંત દયનીય છે. ચેકડેમ ડાબી અને જમણી બંને બાજુએથી તૂટી ગયો છે. દીવાલોમાં તિરાડો અને ગાબડાં હોવાથી સંગ્રહિત પાણી સતત વહી જાય છે. હાલમાં ચેકડેમ તેની ક્ષમતા કરતા 6 ફૂટ ઓછો ભરાયેલો છે. રિપેરિંગના અભાવે આખું માળખું બિસ્માર થઈ ગયું છે, જે ગમે ત્યારે મોટી હોનારત નોતરી શકે છે.
આ ચેકડેમ દ્વારા કોલીવાડા, બોગજ, સાકવા, અને ઝાડોલી સહિતના આસપાસના ગામોની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળે છે. ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનતા તેમની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર વહીવટી તંત્ર દ્વારા આ ચેકડેમના સમારકામ માટે કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

