Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : bjp mp mansukh vasava targets own party leaders at dediapada meeting

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પોતે જ કાર્યકર્તાઓને ડરાવે છે, ચૈતર સાથે મળેલા છે- મનસુખ વસાવા

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પોતે જ કાર્યકર્તાઓને ડરાવે છે, ચૈતર સાથે મળેલા છે- મનસુખ વસાવા
સોર્સ : gstv

BJP MP Mansukh Vasava Viral Speech: ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની બેબાક ટિપ્પણી અને પક્ષના જ સંગઠન સામે સવાલો ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. દેડિયાપાડા ખાતે યોજાયેલા ભાજપના એક 'મનોમંથન કાર્યક્રમ'માં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના સ્થાનિક હોદ્દેદારો સામે જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નર્મદા અને ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

App Store

‘ચૈતર ડરાવે એ બરાબર, પણ ભાજપના નેતાઓ કેમ ડરાવે છે?’

મનોમંથન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) સામે સીધો મોરચો ખોલ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, 'સામે પક્ષેથી ચૈતર વસાવા ડરાવે એ તો યોગ્ય છે, પરંતુ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પોતે જ જો કાર્યકર્તાઓને ડરાવે, તો એનો અર્થ એ થયો ને કે તેઓ ચૈતર સાથે મળેલા છે!'

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે, 'જિલ્લા પ્રમુખ નિલ રાવને કોઈનાથી ડરવાની જરૂર નથી. જો તમારે રાજકીય કરિયર બનાવવું હોય તો અમારી સાથે જોડાઈ જાવ. વર્ષોથી અમે પક્ષ માટે કામ કરીએ છીએ, તમે તો આજકાલના આવેલા છો! જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) પહેલાં ક્યાં હતો? તે ઓરિજિનલ ભાજપનો નથી અને હમણાં અહીં આદિવાસીઓને ડરાવવા નીકળી પડ્યા છો? નિલ ક્યાં હતો અને તારું શું અસ્તિત્વ હતું?'

સોશિયલ મીડિયાના હીરો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી શક્યા નથી

ચૂંટણી પરિણામો અને આંતરિક જૂથવાદ અંગે નિખાલસતાથી બોલતા સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર્યું કે,'ચૂંટણી હારવા માટે કદાચ મારી પણ કોઈ ભૂલ હશે, પણ સરકારની યોજનાઓ વિશે ભોલાએ અને નિલે લોકો સુધી વાત જ નથી પહોંચાડી. આ લોકો માત્ર સોશિયલ મીડિયામાં જ હીરો થઈ જાય છે. ડુમખલના પોપટનો ખોટો મુદ્દો ઉછાળવામાં આવ્યો, જેના કારણે પણ ભાજપને મોટું નુકસાન થયું છે. આ મુદ્દો જેણે ઉછાળ્યો, તેને જ નુકસાન કર્યું છે. આ ઇતિહાસ તો નિલભાઈ સાથે જોડાયેલી બાબત હતી, જેના પર કાદવ ઉછળતો હતો તે બચાવવા માટે જ તેમણે ડુમખલના પોપટનો નવો ઇતિહાસ રચી કાઢ્યો.'

લાફાકાંડની ચર્ચા પર ખુલાસો

આપ (AAP) નેતા અને ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી આક્ષેપ કર્યો હતો કે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ નિલ રાવ વચ્ચે 'લાફાકાંડ' થયો છે. આ અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, 'હા, અમારી વચ્ચે ચૂંટણીના ફંડ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, પરંતુ લાફા માર્યા હોવાની વાત તદ્દન ખોટી છે. હું સાચી અને મોઢામોઢ વાત કરું છું એટલે લોકોને મનસુખ વસાવા અઘરા લાગે છે. હું હંમેશાં કાર્યકરોની પડખે રહેનારો માણસ છું.'

અસંતોષ વ્યક્ત કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, 'પક્ષે અમારી પાસેનું રાજકીય ગણિત પણ જાણવું જોઈતું હતું. ચૂંટણીમાં સિનિયર લોકોને પૂછવામાં નથી આવ્યું, તેનું જ આ પરિણામ આવ્યું છે. સિનિયર નેતાઓ જ્યારે બોલે, ત્યારે ગમે તે રીતે તેમનો અવાજ દબાવી દેવાની કોશિશ થાય છે. પાર્ટીમાં આવી રીતે નહીં ચાલે, જો આમ જ ચાલશે તો પાર્ટી તૂટી જશે.'

ચૈતર વસાવા જૂઠો અને ઠગ: મનસુખ વસાવા

ચૈતર વસાવા પર પ્રહારો કરતા મનસુખ વસાવાએ જણાવ્યું કે, 'ચૈતર વસાવાના હાથીના દાંત જેવા ચાવવાના અને દેખાડવાના જુદા છે. પીએમ મોદી જ્યારે દેડીયાપાડા આવ્યા, ત્યારે તેમાં થયેલા ખર્ચનો ખોટો પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવાએ કર્યો હતો. તાજેતરમાં કરજણમાં બે આદિવાસી ડ્રાયવરોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે અને તેઓ રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આખા ગુજરાતમાં ફરતા ચૈતર વસાવા આ ગરીબ આદિવાસીઓ માટે કેમ કશું બોલતા નથી? આ ચૈતર જૂઠો અને ઠગ છે, તેને ઓળખવાની જરૂર છે. મેં આ મામલે રજૂઆત કરી છે અને ડ્રાયવરોને માર મારનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'

સાંસદનું અપમાન એટલે આખા આદિવાસી સમાજનું અપમાન: ધારાસભ્ય દર્શનાબેન

આ મનોમંથન કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાંસદ મનસુખ વસાવાના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, 'સંગઠનમાં વરિષ્ઠ નેતાઓનું સન્માન જળવાવું જોઈએ. એક સાંસદનું અપમાન એ માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ આખા આદિવાસી સમાજનું અપમાન છે.'