Morbi: ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે સોની વેપારીની હત્યા, સોની બજાર સદંતર બંધ
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં બે શખ્સોએ જાહેરમાં જતીન સોની નામના યુવાનની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતક જતીન સોની પોતાના પરિવાર સાથે જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં વાહન ઓવરટેક કરવા બાબતે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરાર એટલી હદે વણસી હતી કે ઉશ્કેરાયેલા બે શખ્સોએ જતીનભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલા બાદ ગંભીર હાલતમાં જતીનભાઈને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતા જ સોની પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. યુવાન પુત્રની હત્યાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા ડિવાયએસપી DySP, પીઆઈ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મૃતક જતીન સોનીના મોટા ભાઈ મૌલિક સોનીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ભૂરો અને નંદો નામના બે શખ્સોના નામ સામે આવ્યા છે. મોરબી એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ પોલીસના હાથવેંતમાં છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.
આ મામલે સોની સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં મોરબીના સોની બજારે સદંતર બંધ પાળ્યું છે. વેપારીઓએ હત્યારાઓને વહેલી તકે પકડવા અને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

