મોરબી: પાવરગ્રીડના પ્રોજેક્ટમાં જમીનના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ

મોરબી જિલ્લામાં ખાખરેચીથી વેણાસરના રોડ પર ચાલતા પાવરગ્રીડના પ્રોજેક્ટ બાબતે ખેડૂતોએ કંપની સામે જમીનના વળતર મુદ્દે વિરોધ કર્યો હતો જે વિરોધ હવે આંદોલન તરફ વળ્યો છે.
આ પણ વાંચો: શાબાશ કાગડાપીઠ પોલીસ! થપ્પો કરીને ભાગી ગયેલા 'ગગા'ને ગણતરીના કલાકમાં ઝડપડ્યો
જમીનના વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ
થોડા દિવસ પહેલા જ અમદાવાદથી મોરબીના લાકડીયા સુધી 765 કેવીની હેવી વીજલાઈન નાખવાના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ કામ શરૂ થાય તેની પહેલા જ જમીનના વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. જમીનના વળતર મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા ખેડૂતોએ આ પ્રોજેક્ટનો વિરોધ દર્શાવ્યો હતો.
વીજ કંપનીના કર્મચારીઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો
હવે ખેડૂતોના આ અસંતોષે આજે આંદોલનનો આકાર લીધો છે, જે બાદ માળીયા-મીયાણા, હળવદ અને કચ્છ જિલ્લાના સહિત અનેક તાલુકાના ખેડૂતો દ્વારા ગામમાં પાવરગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, અને આ અંગેના બેનરો લગાવી આજે આંદોલનની શરૂઆત કરી છે.
55 ગામના ખેડૂતોના વળતરના પ્રશ્ને આંદોલન
આ પણ વાંચો: સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ, દુકાનમાં ઘુસેલા શખ્સોએ બેનાં કાપ્યાં ગળાં
આજે મોરબી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં ખાખરેચી ખાતે આ આંદોલનને પગલે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વળતર મુદ્દે સહમતી ન થાય ત્યાં સુધી કામ અટકાવવાની પ્રાથમિક માંગ કરવામાં આવી હતી. આ આંદોલન માળીયા અને હળવદના 55 ગામના ખેડૂતોના વળતરના પ્રશ્ને થઈ રહ્યું છે. ત્યારે ખાખરેચી ગામે આજે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ એકત્રિત થવાની શરૂઆત થઇ હતી.
નિયમો કંપની માટે છે ખેડૂતો માટે નથી : પાલ આંબલિયા
આ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ GSTV સાથે વાત કરતાં કહ્યું હતું કે, “નિયમ પ્રમાણે 50x50નું કહી અડધુ ખેતર રોકીને અનધિકૃત રીતે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બાબતે ખેડૂતની ફરિયાદ પણ પોલીસે લીધી નથી, નિયમો કંપની માટે છે ખેડૂતો માટે નથી. આ પાવરગ્રીડ વીજલાઈનથી નરેન્દ્ર મોદીના મિત્ર અદાણી સાહેબની વીજળી પસાર કરવાના છે એટલે દેશના વિકાસના નામે અદાણીનો વિકાસ થઈ રહ્યો છે.”

