દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક Banaskanthaના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત

મોરબીના પીપળીયા રોડ પર આજે બુધવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. દ્વારકા જગત મંદિરના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક બેફામ ટ્રક ચાલકે હડફેટે લેતા ચાર શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
દિયોદરથી દ્વારકા જઈ રહ્યો હતો પદયાત્રીઓનો સંઘ
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના દિયોદર અને થરાદ વિસ્તારના શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. આ પદયાત્રીઓનો સંઘ જ્યારે મોરબીના પીપળીયા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા એક ટ્રક ચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મૃતકોની યાદી
આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે:
- દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
- હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
- ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)
- અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

