Video: 'મેક ઇન ઇન્ડિયા'નું અપમાન, CMની હાજરીમાં યોજાયેલી ભજન સંધ્યામાં મહિલાઓના હાથમાં 'Made in China' દીવા!
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'મેક ઇન ઇન્ડિયા' અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણાના વિસનગરમાં યોજાયેલા એક મોટા સરકારી કાર્યક્રમમાં જ આ નીતિનો ભંગ થતો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આયોજિત ભજન સંધ્યામાં ચાઇનીઝ ઇલેક્ટ્રિક દીવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય સામૂહિક આરતી
વિસનગરમાં 'આજની ઘડી તે રળિયામણી' ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 305 ભજન મંડળીઓની 11000 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને ભવ્ય સામૂહિક આરતીનું આયોજન કરાયું હતું.
આ સામૂહિક આરતી માટે હાજર રહેલી દરેક મહિલાના હાથમાં ઇલેક્ટ્રિક દીવા આપવામાં આવ્યા હતા. જોકે, નિરીક્ષણ દરમિયાન આ ઇલેક્ટ્રિક દીવાઓની નીચે સ્પષ્ટપણે 'Made in China' લખેલું જોવા મળ્યું હતું.
'મેક ઇન ઇન્ડિયા'નો નારો ફેલ
સરકારનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદન વધારવાનો અને રોજગારી ઊભી કરવાનો છે. ત્યારે આટલા મોટા સરકારી કાર્યક્રમમાં ભારતીય ઉત્પાદનોને બદલે હજારોની સંખ્યામાં ચાઇનીઝ દીવાઓનો ઉપયોગ થતાં 'મેક ઇન ઇન્ડિયા'નો નારો ફેલ થયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે.
ચાઇનીઝ દીવાઓ વાપરવાને બદલે જો ગૃહ ઉદ્યોગની મીણબત્તીઓ કે માટીના કોડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો તેનાથી સ્થાનિક કારીગરો અને લઘુ ઉદ્યોગોને મોટી રોજગારી મળી શકી હોત. પરંતુ આ નિર્ણયને કારણે સ્થાનિકોને રોજગારી મળવાને બદલે હજારો ચાઇનીઝ દીવાઓ ઉપયોગમાં લેવાયા હતા.

