VIDEO: 'વિપક્ષ બંધારણના ધજાગરા ઉડાડી રાજકારણને તમાશો બનાવી રહ્યું છે', વડનગરમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહના આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં સેવા સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ નરેન્દ્ર મોદીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ તે શાળાની મુલાકાત લીધી અને તેમણે જણાવ્યું કે જે વર્ગખંડમાં નરેન્દ્ર મોદી અભ્યાસ કરતા હતા, ત્યાં જવાનું સૌભાગ્ય મળતાં તેઓ અત્યંત અદ્ભુત ઊર્જા અને પ્રેરણાનો અનુભવ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે તે વર્ગખંડનું વાતાવરણ અને હવા પણ દેશ માટે જીવવાનો સંદેશ આપે છે.
વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડનગરમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માટે ભગવાનનું એક વરદાન છે અને તેઓ કરોડો દેશવાસીઓના દિલ પર રાજ કરે છે. તેમણે દેશવાસીઓને 'વિકસિત ભારત' અને 'આત્મનિર્ભર ભારત' બનાવવાનો સંકલ્પ લેવા અને 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે સમર્પિત થવા આહ્વાન કર્યું હતું.
આ સાથે જ તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જે લોકો 'પરિવાર પ્રથમ'ની રાજનીતિ કરે છે, તેઓ સત્તા બહાર થતાં અરાજકતા ફેલાવી રહ્યા છે. વિપક્ષ બંધારણ અને મર્યાદાના ધજાગરા ઉડાડી રાજકારણને તમાશો બનાવી રહ્યું છે, જેને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે.

