Mehsana: સર્વ સમાજની જન ક્રાંતિ મહા રેલી, પ્રેમ લગ્નમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા માંગણી
મહેસાણા જિલ્લામાં સર્વ સમાજની જન ક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અવસર પાર્ટી પ્લોટથી કલેક્ટર કચેરી સુધી યોજાશે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગણી છે, જેમાં માતા-પિતાની સહી અને મંજૂરી ફરજિયાત કરવાની વાત ઉઠાવવામાં આવી છે.
રેલીમાં પાટીદાર સમાજના આગેવાનો, જેમાં વરુણ પટેલ, દિનેશ બામણીયા, નરેન્દ્ર પટેલ, સુરેશ પટેલ સહિત અન્ય સમાજના પ્રમુખો હાજર રહેશે. આંદોલનકારીઓની માંગ છે કે 30 વર્ષ સુધી પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ, અને છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ લગ્ન નોંધણી થવી જોઈએ. આ ઉપરાંત, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઈએ, અને 30 વર્ષથી વધુ ઉંમરે પ્રેમ લગ્ન કરનાર યુવકે છોકરીના માબાપના નામે ₹10 લાખની FD કરાવવી જોઈએ. આ સાથે, પ્રેમ લગ્ન કરનારને માતા-પિતાની મિલકતમાંથી બેદખલ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
મફત શિક્ષણની સુવિધાની માંગ
આ રેલી દ્વારા ગુજરાતના દરેક નાગરિક માટે મફત શિક્ષણની સુવિધા પણ માંગવામાં આવી રહી છે. આંદોલનકારીઓનું માનવું છે કે આવા કડક નિયમો દ્વારા ભાગેડુ પ્રેમ લગ્નને અટકાવી શકાય છે અને માતા-પિતાના ધર્મ તેમજ પરિવારના મૂલ્યોનું રક્ષણ થઈ શકે છે.

