VIDEO: ગોધર તાલુકા પંચાયતના પ્રમુખ પદની પસંદગીને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ, કરી આ માગ
મહિસાગર જિલ્લાના ગોધર તાલુકા પંચાયતના પ્રમુખ પદની પસંદગીને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો દ્વારા ગોધર તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી પ્રમુખ પદે સાચા આદિવાસીની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. વાંકડી, વેણા, સરસવા અને પાંચમુવા સહિતની બેઠકો આદિવાસી અનામત હોવાનું જણાવી અન્ય લોકોના દાખલાઓની વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઈ કરવાની માંગ ઉઠી છે.
આદિવાસી આગેવાન છગન ભાભોરે ચેતવણી આપી છે કે જો ખોટા દાખલા ધરાવતા વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે એસ.ટી. સામાન્ય મહિલા બેઠક પર યોગ્ય અને સાચા આદિવાસીને પ્રમુખ બનાવવામાં આવે તો સમાજને કોઈ વાંધો નથી. મહત્વનું છે કે ગોધર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 11 બેઠકો અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

