VIDEO: કચ્છમાં ISISનું નેટવર્ક? સોશિયલ મીડિયા પર જિહાદી પોસ્ટ મુકનારો યુવક ઝડપાયો
VIDEO: સરહદી જિલ્લા કચ્છમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ સતર્ક બની છે. એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુજ તાલુકાના લોડાઈ ગામના એક શખ્સને આતંકી સંગઠન ISISની વિચારધારા ફેલાવવાના આરોપસર ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડથી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી
ઝડપાયેલા આરોપીનું નામ ફકીરમામદ ઈશા ગગડા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય હતો. તે ISISની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો અને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ એકાઉન્ટ્સ બનાવી આતંકી સામગ્રી અપલોડ કરતો હતો. તે ખાસ કરીને 'ઈસ્લામિક યુદ્ધ', 'ખીલાફત' અને 'જિહાદ' માટે યુવાનોને ઉશ્કેરતી પોસ્ટ્સ અને વીડિયો શેર કરતો હતો.
પોલીસ એક્શન અને ટેકનિકલ તપાસ
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના જણાવ્યા મુજબ, અગાઉના ઓપરેશન "સિંદૂર" બાદ હ્યુમન અને ટેકનિકલ ઈન્ટેલિજન્સ નેટવર્કને વધુ સઘન બનાવવામાં આવ્યું છે. આ નેટવર્કની મદદથી જ એસઓજી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન કબજે કરીને વધુ વિગતો મેળવવા માટે એફએસએલમાં મોકલી આપ્યો છે.

