Kutch news: સાવધાન! નકલી સર્ટિફિકેટથી વિદેશ જવાનું સપનું જેલની હવા ખવડાવી શકે, કચ્છ પોલીસે ઝડપી પાડ્યો માસ્ટર માઈન્ડ

Kutch news: કચ્છ જિલ્લામાં વિદેશ જવા ઈચ્છતા લોકો માટે નકલી દસ્તાવેજો અને મેડિકલ સર્ટિફિકેટ બનાવતી ગેંગનો પશ્ચિમ કચ્છ એસઓજી (SOG) ટીમે પર્દાફાશ કર્યો છે. મેડિકલ રીતે અનફિટ હોય તેવા લોકોને પણ GCC માન્ય સર્ટિફિકેટ અપાવી વિદેશ મોકલવાના આ કૌભાંડમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
કેવી રીતે આચરવામાં આવતું કૌભાંડ?
પશ્ચિમ કચ્છ એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ જે લોકો શારીરિક ખામી ધરાવતા હોય તેમને ફિટ બતાવવા માટે ડમી વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરતી હતી. પાસપોર્ટમાં હેરફેર કરી અને ડમી વ્યક્તિના આધારે નકલી મેડિકલ સર્ટિફિકેટ મેળવી આપવામાં આવતા હતા, જેથી અનફિટ વ્યક્તિ પણ વિદેશ જઈ શકે.
રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ
એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભુજમાં રેલવે સ્ટેશન નજીકથી સંજય કુમાર નટવરલાલ લુહાર નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ અને નકલી આધાર કાર્ડ જેવા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.
પોલીસ કાર્યવાહી
આ મામલે એસઓજી પીઆઈ અજયસિંહ પરમાર પોતે ફરિયાદી બન્યા છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ કેસની આગળની તપાસ એસોજી પીઆઈ પ્રશાંત સીંગરખિયા ચલાવી રહ્યા છે. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધી કેટલા લોકોને આ રીતે વિદેશ મોકલવામાં આવ્યા છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

