કચ્છ અકસ્માત: રાપરમાં પૂરપાટ આવતી કારની જોરદાર ટક્કરે બાઈક સવાર દંપતીનું મોત

Kutch news: કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પ્રાગપર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રાપર-આડેસર હાઈવે પર પૂરઝડપે આવતી એક બેફામ કારે બાઈક સવાર દંપતીને જોરદાર ટક્કર મારતા બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
જાણો આખો મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાપરના એકતાનગરમાં રહેતા પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરિયા અને તેમના પત્ની નવલબેન મસુરિયા પોતાના બાઈક પર સવાર થઈને આડેસર તરફ જઈ રહ્યા હતા. તેઓ તેમના કોઈ સંબંધીને મળવા માટે નીકળ્યા હતા, પરંતુ પ્રાગપર પાસે કાળમુખી કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી રોડ પર ફંગોળાયું હતું અને ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ તેમના પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા.
પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાપર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલક પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને પૂરઝડપે ગાડી ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

