Kutch: કોર્ટનો હુકમ ન માનતા સરકાર પર કાર્યવાહી, ₹83 લાખનું લ્હેણું ન ચૂકવતા ભુજ સિવિલ સર્જનની મૂવેબલ સંપત્તિ જપ્ત કરવાનો હુકમ
કચ્છના ભુજની સરકારી હોસ્પિટલમાં પૂર્વ અધિક્ષકને 83 લાખ 62 હજાર રૂપિયાના બાકી લ્હેણાની રકમ ચુકવવા કોર્ટે હુમકર ર્યો તેમ છતાં સરકારે રકમ ન ચુકવતા ભુજમાં સિવિલ સર્જનની કચેરીમાં રહેલી સંપતિ જપ્તની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જપ્તી વૉરન્ટના આધારે સિવિલ સર્જનની કચેરીના ટેબલો, ખુરશીઓ, રેફ્રિજરેટર, કબાટ વગેરે સામાન જપ્ત કરાયો છે. માધાપરના વતની અને હાલે ભુજ રાવલવાડીમાં રહેતા ડૉ. હિરજી હરજી પટેલ 1981માં ભુજની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે જોડાયેલાં. નોકરીના પાંચ વર્ષ બાદ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે તેમને બઢતી મળી હતી. તે સમયના સરકારી નીતિ નિયમો મુજબ તેમને દર વર્ષે ત્રીસ જેટલી રજાઓ મળતી હતી, જે જમા થતી હતી.રજા દરમિયાન તેમણે વધુ અભ્યાસ અર્થે સરકાર પાસે સળંગ ત્રણ વર્ષની રજાની માંગણી મૂકેલી. પરંતુ, તેમની માંગણી અંગે વાંધો લઈને સરકારે તેમની જામનગરમાં શિક્ષાત્મક બદલી કરી દીધી હતી.
2011માં વયનિવૃત્તિ બાદ 2017માં કૉર્ટનો ચુકાદો આવ્યો
પોતાની સાથે થયેલાં અન્યાય સામે ડૉ. પટેલે ભુજની દીવાની અદાલતમાં ખટલો માંડેલો. આ ખટલો વર્ષો સુધી ચાલ્યો. 2011માં 58 વર્ષની વયમર્યાદા પૂર્ણ થઈ જતાં ડૉ. પટેલ સરકારી સેવા નિવૃત્તિના નિયમો મુજબ નિવૃત્ત પણ થઈ ગયેલાં. પરંતુ, સરકારે તેમની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર હુકમ જ કર્યો નહોતો. કૉર્ટ કેસ અન્વયે સરકારે પોતાના બચાવમાં દલીલ કરેલી કે 2001માં આવેલા ભૂકંપમાં હોસ્પિટલનું રેકર્ડ નાશ પામ્યું હોઈ ડૉ. પટેલના રજા રીપોર્ટ સહિતના દસ્તાવેજો પણ નાશ પામ્યાં હતા.
2017માં ભુજ કૉર્ટે ડૉક્ટર પટેલને સેવા નિવૃત્ત ગણી સરકારી વીમા રકમ, પ્રોવિડન્ટ ફંડની રકમ, ગ્રેચ્યુઈટી, રજા પગારની રકમ વગેરેની ગણતરી કરીને 83.62 લાખની રકમ કૉર્ટમાં જમા કરાવવા સરકારને હુકમ કર્યો હતો. કૉર્ટના આ હુકમની પણ છેલ્લાં આઠ વર્ષથી સરકાર દ્વારા સતત અવગણના થતી હતી જેથી ભુજ કૉર્ટે લ્હેણીની વસૂલાત માટે સિવિલ સર્જનની કચેરીની મૂવેબલ સંપત્તિ જપ્ત કરવા હુકમ કર્યો છે. દરમિયાન, કૉર્ટના હુકમના પગલે મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ થતાં વર્તમાન સિવિલ સર્જને ગાંધીનગરમાં બીરાજતાં આરોગ્ય અને તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ વિભાગના ચીફ પર્સોનલ ઓફિસરને લેખિત પત્ર પાઠવી કોર્ટની કાર્યવાહી અંગે જાણ કરી તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે.

