VIDEO: '100 હાડપિંજર મળ્યાં....'પાકિસ્તાન સરહદે કચ્છમાં ધોળાવીરા બાદ સદીઓ જૂની વધુ એક વસાહત મળી
Kutch Archaeological Site: કચ્છ-પાકિસ્તાન સરહદે જમીન નીચે દટાયેલી અને સમય જતાં સપાટી ઉપર આવેલી સદીઓ જૂની વધુ એક વસાહત મળી આવી છે. પેટ્રોલિંગ દરમિયાન વર્ષ 2024માં બીએસએફના ધ્યાન ઉપર આવેલી પુરાતત્વિય સાઇટ ઉપર કચ્છ યુનિવર્સિટી સાથે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેષ સંશોધન કરી રહી છે. ગ્રેટ રણ ઓફ કચ્છમાં આવેલી સાઇટની સ્થિતિ જોતાં અને બે વર્ષના અભ્યાસ બાદ ધારણા મુજબ કોઈ હોનારત અથવા તો સિંધુ નદીનું વહેણ બદલાતાં નગર દટાયાનું મનાય છે. જો કે, વિશેષ સંશોધન બાદ જ અનેક તથ્યો, સંભાવના સ્પષ્ટ થશે.
BSFના ધ્યાને આવેલી સાઇટ ઉપર બે વર્ષના અભ્યાસ બાદ સિંધુ નદીનું વહેણ બદલાતાં નગર દટાયાની સંભાવના
કચ્છના ધોળાવીરા પછી ગ્રેટ રણ ઓફ કચ્છમાં વધુ એક પુરાતત્વિય સાઇટ મળી આવી છે. પાકિસ્તાન સરહદ નજીક બીએસએફના જવાનો તહેનાત કરાયાં છે તેમના ધ્યાન ઉપર વર્ષ 2023-24માં કોઈ પુરાતત્વિય નગર હોવાની બાબત આવી હતી. આ અંગે તંત્રના જવાબદારો સુધી વાત પહોંચાડવામાં આવી હતી. વર્ષ 2024થી બીએસએફની મદદથી કચ્છ યુનિવર્સિટી, પીઆરએલ, બીએસઆઈપી, પૂનાની ડેક્કન કોલેજ અને ઓક્સફર્ડ સહિતની સંસ્થાઓએ રણ ઓફ કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક દટાયેલી નવી સાઇટ અંગે સંશોધન શરૂ કર્યું હતું. ઔપચારિકતા પસંદ શાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચેના સહયોગી એમઓયુ દ્વારા સંશોધન આગળ વધી રહ્યું છે. કચ્છ યુનિવર્સિટીના ડૉ. ગૌરવ ચૌહાણ અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ટીમના બે ડઝન જેટલા સભ્યોની તપાસમાં જણાયું છે કે, પાકિસ્તાન સરહદ નજીકના આ વિસ્તારમાં સદીઓ પહેલાં કોઈ હોનારત થવાથી અથવા તો સિંધુ નદીનું વહેણ બદલાતાં નગર દટાયાની સંભાવના છે.
લગભગ બે વર્ષની તપાસ દરમિયાન એટલું નિશ્ચિત થયું છે કે, દટાયેલી વસાહત સદીઓ જૂની છે અને સમય જતાં માટીનું ધોવાણ થવાથી સપાટી ઉપર તેના અવશેષો આવ્યાં છે. એક સ્થળે સાગમટે 100થી વધુ હાડપિંજર દટાયેલાં હોય તેવું જણાયું છે. તો, હાડપિંજરવાળા સ્થળથી થોડે દૂર માનવીય વસાહતો હોય તેવા અવશેષો મળી આવ્યાં છે. ગ્રેટ રણ ઓફ કચ્છમાં છ સાઇટ્સ ઉપર મળી આવેલી પુરાતત્વિય વસાહતમાં પણ કચ્છની ધોળાવીરા જેવી જ હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યાં છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વસાહત મધ્ય યુગની હતી. અંદાજે 600થી 1000 વર્ષ જૂની વસાહત હોવાની સંભાવના વચ્ચે સંશોધન પ્રાથમિક તબક્કે છે.
બીએસએફના ધ્યાન ઉપર આવ્યા પછી નવી પુરાતત્વિય સાઇટના સંશોધનમાં સદીઓ જૂની વસાહત 1819ના ભૂકંપમાં સિંધુ નદીનું વહેણ બદલાયું ત્યારે દટાઈ હોવાની સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. સદીઓ અગાઉ એક નગર અને લોકો જમીન નીચે ક્યા સંજોગોમાં દટાયા હશે તે સંશોધનનો વિષય છે. હાલમાં તો, કચ્છમાંથી હડપ્પન સંસ્કૃતિની વધુ એક વસાહત મળ્યાની સંભાવના વચ્ચે પુરાતત્વિય સંશોધન માટે ભારત સરકારના પુરાતત્વિય સર્વેક્ષણ વિભાગ સાથે મળીને એ સમયે નદી અને દરિયાઈ પાણી કે પૂરના કારણે વિનાશ સર્જાયા અંગે ઊંડો અભ્યાસ આગળ ધપાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.
બધાં જ હાડપિંજર એક જ સ્થિતિમાં કેમ? સંશોધન શરૂ, થોડે જ દૂર રહેણાંકના અવશેષો
વર્ષ 2024માં મળેલી સાઇટ ઉપર એક સ્થળે એક જ સ્થિતિમાં 100 જેટલા હાડપિંજર મળ્યાં છે. તમામના માથા ઉત્તર દિશામાં, પગ દક્ષિણ દિશામાં તેમજ એક બાળકના સહિતના તમામ દેહ (હાડપિંજર) પશ્ચિમ દિશામાં પડ્યું કરેલી હાલતમાં જોવા મળતાં કબરસ્તાન હોવાની સંભાવના તપાસાઈ રહી છે. 100 જેટલા હાડપિંજરો એક જ દિવસમાં મળ્યાં છે તેનાથી થોડે દૂર રહેણાંકના અવશેષો મળ્યાં છે. હાલમાં રેગિસ્તાન જેવા સરહદના આ વિસ્તારમાં સદીઓ અગાઉ ભારત-પાકિસ્તાન એક હતા અને માનવીય વસાહતો જીવંત હોવાનું અનુમાન થાય તેવા અવશેષો મળ્યાં છે.
સિંધુ નદી આસપાસની વસાહતમાં તેલના દીવા, માટીના પાત્રો-હલર, ત્રાંબા સિક્કા, રમકડાં મળ્યાં
સિંધુ નદી આસપાસના આ સ્થળથી થોડે દૂર માનવીય વસાહતના અવશેષો મળ્યાં છે. અલગ અલગ સ્થળેથી તેલના દિવા, માટીના પાત્રો, બરણીઓ, તાંબાના સિક્કા, રમકડાં સહિતના અવશેષો મળ્યાં છે. એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે કે, મધ્યયુગની આ વસાહત નદી વિસ્તારથી ઊંચાઈ ઉપર હતી અને ચોખાનો પાક મુખ્યત્વે લેવાતો હશે. નીચેના ભાગેથી વહેતી સિંધુ નદીના ભરતીના પાણી માનવીય વસાહત સુધી પહોંચતા હોવાનું અનુમાન છે.

