'1000થી વધુ સુસાઈડ બોમ્બર તૈયાર'- આતંકી મસૂદ અઝહરનો ઓડિયો વાયરલ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પ્રતિબંધીત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મસૂદ અઝહરનો એક નવો ઓડિયો સામે આવ્યો છે. જેમાં તે કહેતો સંભળાય છે કે તેની પાસે એક હજારથી વધુ આત્મઘાતી હુમલાખોરો તૈયાર છે, જે કોઈપણ સમયે હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ ઓડિયો ક્યારનો અને ક્યાંનો છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ સુરક્ષા એજન્સીઓ આ વાયરલ ઓડિયોને ગંભીરતાથી લઈ રહી છે.
મસૂદ અઝહરના આ ઓડિયો પરથી સ્પષ્ટ થાય છે કે તેની ટોળકી હજુ પણ કોઈ ખતરનાક કાવતરામાં વ્યસ્ત છે. અઝહરનો દાવો છે કે આ હુમલાખોરો તેના પર ભારતમાં ઘૂસણખોરી કરવાની મંજૂરી આપવા માટે દબાણ કરી રહ્યા છે. તેણે વધુમાં જણાવ્યું કે જો દુનિયાને હુમલાખોરોની સાચી સંખ્યા ખબર પડશે, તો આખું મીડિયા ચોંકી જશે.
પાકિસ્તાનમાં બેસીને રચે છે કાવતરું
મસૂદ અઝહર પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડતો રહ્યો છે. ઓડિયોમાં તે કહે છે કે તેના હુમલાખોરો હુમલો કરવા અને તેમના હેતુ માટે 'શહાદત' વહોરવા આતુર છે.
ભારતે સંગઠનને પહોંચાડ્યું હતું ભારે નુકસાન
નોંધનીય છે કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' માં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ કાર્યવાહીમાં મસૂદ અઝહરના અનેક નજીકના સંબંધીઓ અને આતંકીઓ માર્યા ગયા હતા.
નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે કોઈ સંગઠન ભારે દબાણ હેઠળ હોય અથવા તેમા નિરાશા વ્યાપેલી હોય, ત્યારે જ આવા ઓડિયો મેસેજ જાહેર કરવામાં આવે છે. આ ઓડિયો મસૂદ અઝહરની અકળામણ પણ હોઈ શકે છે.
હાલમાં આ ઓડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે જૈશ-એ-મોહમ્મદ કયા નવા કાવતરાની તૈયારી કરી રહ્યું છે. જોકે, ભારતની સુરક્ષા પાંખ આ મામલે સંપૂર્ણ રીતે સતર્ક છે.

