Video/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી, અકસ્માત બાદ કાર સંપૂર્ણ બળીને ખાખ

ખેડા જિલ્લાના નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં મોટો ધડાકો થયો હતો અને કારમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે, કારમાં સવાર પાંચેય વ્યક્તિઓનો જીવ બચી ગયો હતો.
લગ્નમાંથી પરત ફરતો પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો
આ બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે બન્યો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક કાર આગળ ચાલી રહેલા ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ, કારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા, જેઓ છોટાઉદેપુરમાં એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાંની સાથે જ કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આગની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
પેટ્રોલિંગ ટીમે 5 લોકોના જીવ બચાવ્યા
સૌથી મહત્ત્વની વાત એ છે કે, અકસ્માત બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમે તાત્કાલિક અને સમયસૂચકતા વાપરીને કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓને આગ વધુ ફેલાય તે પહેલાં હેમખેમ બહાર કાઢી લીધા હતા. આ સમયસરની કાર્યવાહીના કારણે કારમાં સવાર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમે વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને ત્રીજી (થર્ડ) લેન પર ડાયવર્ટ કર્યો હતો, જેથી અન્ય વાહનોની અવરજવર પર અસર ન થાય.

