VIDEO: ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મંદિર પરિસર ‘જય રણછોડ માખણચોર’ના નાદથી ગૂંજી ઉઠ્યું
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ દ્વારકેશ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મધરાત્રીના 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની વધામણી કરવામાં આવી હતી. જન્મની ઘડી આવતાં જ સમગ્ર ડાકોરધામ ‘જય રણછોડ માખણચોર’, ‘જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
જન્મોત્સવ નિમિત્તે આરતી બાદ ભગવાન રણછોડરાયજી સવા લાખ રૂપિયાના મુગટથી શણગાર સજ્જ થવાના છે. આ ઉપરાંત કાળિયા ઠાકોરને વિજય તિલક કરાવી વિશેષ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મની ખુશીમાં ફટાકડાની આતશબાજી સાથે ભક્તોએ જન્મોત્સવની વધામણી કરી હતી. એક વર્ષથી કાનુડાના જન્મદિવસની રાહ જોઈ રહેલા લાખો ભક્તોએ આજે ડાકોરમાં ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો. ભક્તોના જયઘોષ અને ભક્તિભાવથી સમગ્ર ડાકોરધામ પ્રભુમય બની ગયું હતું.

