VIDEO: ડાકોરમાં પાયાની સુવિધાઓનો અભાવ, ભક્તો પરેશાન, ગોમતી ઘાટ પર ગંદકી
પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડાકોરમાં શ્રી રણછોડરાયજીના દર્શનાર્થે લાખો ભક્તોનું મહેરામણ ઉમટી પડવાનું છે. જોકે, ડાકોર તીર્થધામમાં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે વહીવટી તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. શહેરમાં પ્રવેશતાં જ ભક્તોને તૂટેલા રસ્તા અને કથળેલી ટ્રાફિક વ્યવસ્થાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાહન પાર્કિંગ સુવિધા ૫ કિલોમીટર દૂર રખાતાં વૃદ્ધો અને નાના બાળકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. પીવાના શુદ્ધ પાણી તેમજ શૌચાલય જેવા પાયાના અભાવે દર્શનાર્થે આવતી મહિલાઓને ભારે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. આ ઉપરાંત પવિત્ર ગોમતી ઘાટ પર પણ ભારે ગંદકી જોવા મળતાં સ્થાનિકો અને સંતોમાં તંત્ર સામે આક્રોશ વ્યાપી ગયો છે. જન્માષ્ટમી જેવા મહાપર્વે તંત્રની આ નિષ્ફળતા મોટી અરાજકતા સર્જશે તો તેનો જવાબદાર કોણ તેવો યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. પવિત્ર ડાકોર તીર્થધામમાં ગોમતી તળાવ અને ઘાટની દયનીય સ્થિતિને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યોગ્ય જાળવણીના અભાવે ઘાટ પર ગંદકીનું સામ્રાજ્ય છવાતાં યાત્રાળુઓ પરેશાન થઈ રહ્યા છે. ડાકોરની આવી દુર્દશા જોઈને પૂજ્ય સંતોએ પણ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને સરકારને વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામનો સુગ્રથિત વિકાસ કરવા ત્વરિત અપીલ કરી છે. કાલે જન્માષ્ટમીના પવિત્ર મહાપર્વે લાખો ભક્તોનું મહેરામણ ઉમટી પડશે, ત્યારે ખેડા વહીવટી તંત્રની આ ઘોર નિષ્ફળતાને કારણે કોઈ મોટી અરાજકતા કે અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ તેવા તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે.

