VIDEO: ખેડામાં ૨૦ દિવસ પહેલાં બનેલો રોડ-ગટર પાણીમાં ગરકાવ, લોકોએ CM પોર્ટલ પર નોંધાવ્યો વિરોધ
સોર્સ : gstv
ખેડાના પરા દરવાજા કાછીયાવાડ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં માત્ર ૨૦ દિવસ પહેલાં જ કરોડોના ખર્ચે ગટર અને આરસીસી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જોકે, અચાનક આવેલા વરસાદમાં નવો બનેલો રોડ અને ગટર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી છોળો ઉડાડતું લોકોના ઘરોમાં ઘુસી જતાં સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની છોળો સાથે 'વિકાસ' લોકોના ઘર સુધી પહોંચી જતાં ખેડાવાસીઓ ભારે રંજ અનુભવી રહ્યા છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મુખ્યમંત્રીના ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી ખેડા પાલિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

