VIDEO: તારાપુરમાં પાવરગ્રીડ કંપનીની મનમાની, મંજૂર સર્વે નંબરની જગ્યાએ બીજી જમીનમાં ઉભો કરી દીધો વીજ પોલ
આણંદ જિલ્લાના તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવે પર પાવરગ્રીડ કંપનીની મનમાનીથી ખેડૂત પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે. અમદાવાદ - સાઉથ ઓલપાડ 765 KV ટ્રાન્સમિશન લાઇનનો તોતિંગ વીજ ટાવર સત્તાવાર મંજૂર થયેલા નકશા મુજબ સર્વે નંબર ૨૬૬૫માં ઊભો કરવાનો હતો. પરંતુ, પાવરગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડના અધિકારીઓની બેદરકારીને કારણે આ ટાવર ખેડૂત ધવલકુમાર અને ઉજ્જવલકુમાર બ્રહ્મભટ્ટની હાઈવે ટચ કિંમતી જમીન સર્વે નંબર ૨૬૬૩ માં ગેરકાયદેસર રીતે ઊભો કરી દેવાયો છે. મોટાભાગનું કામ પૂર્ણ થયા બાદ નકશા ચકાસણી દરમિયાન કંપનીની આ ગંભીર ભૂલ સામે આવી હતી. આ અયોગ્ય કામગીરીના લીધે ખેડૂતની કરોડો રૂપિયાની કિંમતી જમીનનું મૂલ્ય સાવ નહિવત થઈ ગયું છે. ભોગ બનનાર પરિવારે કામગીરી અટકાવવા અને યોગ્ય વળતર મેળવવા કલેક્ટર, મામલતદાર તથા તારાપુર PIને લેખિત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

