VIDEO: જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચોની ભૂખ હડતાલ, તંત્ર સામે ઉગ્ર રોષ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચોએ વિકાસના કામોમાં થઈ રહેલી અવ્યવસ્થાના વિરોધમાં ભૂખ હડતાલ શરૂ કરી છે. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા છ મહિનાથી એકપણ વિકાસ કામ મંજૂર થયું નથી અને જે કામો પૂર્ણ થયા છે તેના બિલો પણ ચૂકવવામાં આવ્યા નથી. બાકી રહેલા કામોના એસ્ટીમેટ તૈયાર ન થતા અનેક વખત જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સરપંચો આંદોલન પર ઉતર્યા છે. સરપંચોએ ચેતવણી આપી છે કે માંગણીઓ નહીં સંતોષાય તો વેપારીઓને વિશ્વાસમાં લઈને મેંદરડા બંધ પણ કરાવવામાં આવશે. બીજી તરફ અધિકારીઓએ 29 કામોની તપાસ ચાલી રહી હોવાનું અને ભૂતકાળના ઈજનેરો તથા તત્કાલીન TDOની બેદરકારીને કારણે વિલંબ થયો હોવાનું જણાવ્યું છે. સ્ટાફની અછત અને વારંવાર કર્મચારીઓની બદલીઓના કારણે પણ કામો સમયસર પૂર્ણ થતા નથી તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.

