VIDEO: માળિયાહાટીનામાં શાકભાજીના વેપારીને ત્યાં એકસાથે 9 કોબીજનો જોટો જોવા મળતા લોકો ઉમટયાં
VIDEO: જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં એક શાકભાજીના વેપારીને ત્યાં કોબીજના શાકમાં કુતૂહલ જોવા મળતા લોકો આને જોવા ટોળેટોળાં ઉમટી રહ્યાં છે. મુકેશભાઈ વાજા નામના શાકભાજીના વેપારીને ત્યાં એકસાથે 9 કોબીજનો ભેગો જોટો જોવા મળ્યો છે. માળીયાહાટીનામાં સ્વર મંદિર પાસે રાજપૂત પરામાં શાકભાજીનો વેપાર કરતાં મુકેશભાઈ વાજાની દુકાને આજે એકી સાથે નવ કોબીનો ભેગો જોટો જોવા મળ્યો છે. જેના લીધે નાની શાકભાજીની દુકાને લોકોનાં ટોળેટોળાં આજે સવારથી ઉમટી પડ્યા હતા.
મુકેશભાઈ વાજા જણાવે છે કે અમારે ત્રણ પેઢી થયા શાકભાજીનો વેપાર છે. વધુમાં તેમને જણાવ્યું કે, મારા બાપુજી રામાભાઈ અને તેમના બાપુજી એટલે કે મારા દાદા કરસન બાપા પણ શાકભાજીનો વેપાર કરતા હતા. રીંગણા, બટેટા કે કોઈપણ શાકભાજી બેથી ત્રણ ભેગાનો જોટો જોવા મળે છે પણ એકીસાથે કોઈપણ શાકભાજી નવની સંખ્યામાં ભેગો જોટો ક્યારેય પણ જોવા મળ્યો નથી. જેથી લોકવાઇકા પ્રમાણે બે કે ત્રણનો કે કોઈપણ જોટો શાકભાજીનો ભેગો હોય એ કોઈ ખાતું નથી અને વેચતું પણ નથી. એકથી વધારે ભેગા શાકભાજીનો જોટો દેવસ્થાનમાં પધરાવવામાં આવે છે. મુકેશભાઈ વાજાએ આ નવ કોબીનો જોટો નજીક આવેલા મહાદેવ મંદિરમાં અર્પણ કરી દીધો હતો.

