VIDEO: કેશોદમાં ચૂંટણીના નિયમોના ધજાગરા ઉડયા! મતદાન મથકની અંદર EVMનું Live શૂટિંગ, વીડિયો વાયરલ થતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું
VIDEO: ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી સુરક્ષામાં મોટી ચૂકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના એક મતદાન મથકમાં મતદાનની ગુપ્તતા ભંગ થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
ચૂંટણી પંચના કડક નિયમો અનુસાર, મતદાન મથકની અંદર મોબાઈલ ફોન કે કોઈપણ પ્રકારના કેમેરા લઈ જવા પર પ્રતિબંધ હોય છે. આમ છતાં, કેશોદના વોર્ડ નંબર 7માં એક મતદાર પોતાની સાથે મોબાઈલ ફોન લઈ જવામાં સફળ રહ્યો હતો. એટલું જ નહીં, તેણે મતદાન કરતી વખતે 'ઝાડુ' (આમ આદમી પાર્ટી)ના નિશાન પર બટન દબાવ્યું હોય તેવું લાઈવ શૂટિંગ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ચૂંટણી તંત્ર હરકતમાં
આ વીડિયો વાયરલ થતાં જ કેશોદના ચૂંટણી અધિકારીઓ અને પોલીસ કાફલો દોડતો થયો છે. મતદાન મથક પર તૈનાત સુરક્ષા કર્મીઓ અને ચૂંટણી સ્ટાફની હાજરીમાં આ પ્રકારનું શૂટિંગ કેવી રીતે થયું, તે એક ગંભીર પ્રશ્ન છે. તંત્ર દ્વારા હાલમાં આ વીડિયો ઉતારનાર શખ્સની ઓળખ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના સંકેતો મળી રહ્યા છે.
સુરક્ષા સામે સવાલો
સ્થાનિક નાગરિકો અને રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જો કોઈ મતદાર આ રીતે મોબાઈલ અંદર લઈ જઈને વીડિયો ઉતારી શકતો હોય, તો સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે તેમ કહી શકાય. આ ઘટનાને પગલે અન્ય મતદાન મથકો પર પણ ચેકિંગ કડક કરી દેવામાં આવ્યું છે.

