VIDEO: સૌની યોજના લિન્ક-૪ હેઠળ જૂનાગઢ અને ગીર સોમનાથના જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવાની કામગીરી પૂરજોશમાં
સૌરાષ્ટ્ર અને સોરઠના જળાશયોને સમૃદ્ધ બનાવી પીવાના પાણીની કાયમી સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા ‘સૌની યોજના લિન્ક-૪(બી) - પેકેજ ૭’ અંતર્ગત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૯ જેટલા ડેમોમાં પાણીની આવક વધારવાનું મોટું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિઝન હેઠળ ગત ૨૯ ઓગસ્ટથી ઓઝત-૨ ડેમમાં નર્મદાના પૂરના પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૭૬.૪ એમસીએફટી જેટલો પ્રચંડ જળજથ્થો સફળતાપૂર્વકમા સંગ્રહિત કરવામાં આવ્યો છે. આ જળસંચયના કારણે આસપાસના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની સુરક્ષા સંપૂર્ણપણે સુનિશ્ચિત થઈ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સુઆયોજિત પ્લાનિંગ અનુસાર, પાઇપલાઇનમાં પ્રેશર વધુ હોય ત્યારે રાત્રિના સમયે વ્રજમી ડેમ ખાતે પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, જરૂરિયાત ઊભી થતાં ઓઝત-૨ ડેમના ગેટ ખોલીને નદીના વહેણ મારફતે આણંદપુર ડેમ વિસ્તાર સુધી પણ પાણી પહોંચાડવાની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

