VIDEO: ઓસ્ટ્રેલિયાની U-19 ટીમમાં ચમક્યો 16 વર્ષનો ગુજરાતી નીલ પટેલ, ભારત પ્રવાસ પર રહેશે સૌની નજર!
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 16 વર્ષના નીલ પટેલનું નામ પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ 13 સપ્ટેમ્બરથી ભારત પ્રવાસે મલ્ટી ફોર્મેટ સિરીઝ રમશે, જેના માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 03 ઓગસ્ટે ટીમની જાહેરાત કરી હતી. સ્ક્વોડમાં 16 વર્ષના નીલ પટેલને પણ સામેલ કરવામાં આવ્યા, જેમણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તો આવો જાણીએ કે આ 16 વર્ષીય ખેલાડી છે કોણ?
નીલ પટેલનો ગુજરાત સાથે નાતો
નીલ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમે છે. તે ભારતીય મૂળના ખેલાડી છે. આ સિરીઝ દ્વારા તેમને મોટી તક મળી છે. નીલ ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવે છે, અને સાથે ઓફ-સ્પિનર તરીકે પણ યોગદાન આપે છે. નીલનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો, અને તેઓ અહીં જ ઉછર્યા છે, પરંતુ તેમના પૂર્વજો ભારતના ગુજરાત રાજ્યના હતા. નીલે સિડની પ્રીમિયર ક્રિકેટ ફર્સ્ટ ગ્રેડમાં રમીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ પ્રથમ એવા ખેલાડી બન્યા હતા, જેમણે એક વર્ષમાં 1,000 થી વધુ રન બનાવ્યા હતા. તાજેતરમાં જ આ ભારતીય મૂળના ખેલાડીએ ફર્સ્ટ ગ્રેડ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી પણ ફટકારી હતી. હવે ભારત પ્રવાસ પર સૌની નજર તેમના પર રહેશે.
અંડર-19માં નીલનું શાનદાર પર્ફોર્મન્સ
એડિલેડમાં યોજાયેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંડર-19 ટેલેન્ટ કપમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન તેમને અંડર-19 ટીમની વધુ નજીક લાવ્યું, જેમાં તેમને દેશના સૌથી યુવા પ્રતિભાઓમાંથી એક તરીકે જોવામાં આવ્યા. નીલ પટેલ ક્રિઝ પર ટકીને રમવા માટે જાણીતા છે. ક્રિઝ પર ટકી રહેવાની સાથે તેઓ સ્કોરબોર્ડને પણ આગળ ધપાવતા રહે છે. આ ક્ષમતા સાથે તેઓ કોઈપણ મેદાન પર ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. હવે જોવું રસપ્રદ રહેશે કે, ભારત પ્રવાસ પર તે કેવું પ્રદર્શન કરે છે.
ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં કોણ કોણ?
કેસી બાર્ટન, હેડન બારબુલોવી, એલી બ્રેન, વિલ બાયરમ, બ્લેક કેટલ, જેક જોસ્નેક, સ્પેન્સર ગ્રીન, કોનર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, જેડ હોલિક, મેથ્યુ લોફ, નીલ પટેલ, જેકોબ પીટ્ઝ, પેટ્રિક સુલિવન, થિયો ત્સિંગોસ, થૌમસ વાસિઓ.

