VIDEO: જૂનાગઢમાં આઠ દિવસથી દીપડાની લટાર, સ્થાનિકોમાં ભયનો માહોલ
સોર્સ : gstv
જૂનાગઢમાં માનવ અને વન્યજીવ સંઘર્ષને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પરિસરમાં દીપડાના આંટાફેરા CCTVમાં કેદ થયા છે અને છેલ્લા આઠ દિવસથી દીપડો ખુલ્લેઆમ ફરતો હોવાનો દાવો છે. બિલખા રોડ પર આવેલા હોસ્ટેલ પરિસરમાં પણ દીપડાની હાજરીથી ભયનો માહોલ છે, જ્યાં આશરે 100 જેટલી મહિલા તાલીમાર્થીઓ રહે છે. રાત્રિના સમયે સ્થાનિકો અને મહિલાઓ ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ જાણ કરવા છતાં વનતંત્ર દ્વારા અરજી બાદ તપાસ કરવાની વાત કરવામાં આવી રહી છે અને આઠ દિવસ બાદ પણ પાંજરું મૂકવામાં આવ્યું નથી. રેન્જ આઈ.જી. કચેરી નજીક દીપડાના આંટાફેરાથી લોકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. વનવિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

