VIDEO: 'ભૂતિયા બાળકો'ના નામે કરોડોની સરકારી ગ્રાન્ટ ઓહિયાં!,જૂનાગઢમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું મહાકૌભાંડ
જે બાળકે આ પૃથ્વી પર હજુ જન્મ જ નથી લીધો. જેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી.તે બાળક શાળાના ચોપડે રોજેરોજ હાજરી પૂરાવીને ભણી રહ્યું છે! સાંભળવામાં તમને કદાચ કોઈ કાલ્પનિક વાર્તા લાગશે, પરંતુ આ કડવું સત્ય છે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું! આ કથિત કૌભાંડને વિદ્યાર્થી નેતાએ ખુલ્લું પાડ્યું છે. મેંદરડાના સાસણ ક્લસ્ટર હેઠળ આવેલી શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળા (સુરજગઢ) માં સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવતું એક અત્યંત શરમજનક અને ચોંકાવનારૂં કથીત મહાકૌભાંડ સામે આવ્યું છે.
ગરીબ અને આદિવાસી બાળકોના શિક્ષણ અને વિકાસ માટે સરકાર જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તે રકમ અસ્તિત્વ વગરના "ભૂતિયા બાળકો" ઊભા કરીને સંચાલકો અને અધિકારીઓની મિલીભગતથી ઉસેડી લેવામાં આવી રહી છે! શાળા છોડી ગયેલા કે ક્યારેય શાળાએ ન આવેલા બાળકોના નકલી લિવિંગ સર્ટિફિકેટ અને બોગસ જન્મ પ્રમાણપત્રો ઊભા કરવામાં આવ્યા. વર્ગખંડમાં બાળકો હાજર ન હોવા છતાં દરરોજ ચોપડે ખોટી એન્ટ્રીઓ અને બનાવટી સહીઓ કરીને હાજરી બતાવવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિની બનાવટી બેઠકો અને એજન્ડા બનાવીને માત્ર કાગળ પર જ ખર્ચ મંજૂર કરાવી લેવાય છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવા છતાં આદિજાતિ વિકાસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે. જ્યારે આ સંસ્થાઓનું આધાર વેરિફિકેશન કરાવવામાં આવે છે ત્યારે પરિણામ ‘ઝીરો’ આવે છે, છતાં દર મહિને લાખો રૂપિયાની ગ્રાન્ટ કોઈ પણ અડચણ વગર પાસ થઈ જાય છે! હવે સ્થાનિક લોકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની ઉગ્ર માંગ છે કે આશ્રમશાળાની તુરંત અચાનક (સરપ્રાઈઝ) રૂબરૂ તપાસ કરવામાં આવે, ઉચ્ચસ્તરીય તપાસ કમિટી બનાવી બોગસ દસ્તાવેજો બનાવનાર સંચાલકો, આચાર્યો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડાકમાં કડક એફ.આઈ.આર. (FIR) દાખલ થાય. અત્યાર સુધી હડપ કરી ગયેલી ગ્રાન્ટની પૂરેપૂરી રિકવરી કરવામાં આવે.
આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય જણાવ્યું હતું કે આ અંગે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર બાબતની તપાસ કરી રાજ્ય સરકારમાં અહેવાલ કરી દેવામાં આવ્યો છે અને હજુ બાકીની તપાસ અંગે અમોને સૂચના મળી છે હવે અમો ટીમ બનાવી સમગ્ર હકીકત અંગે તપાસ કરશું અને જે દોષિત હશે તેની સામે કાર્યવાહી થશે.

