VIDEO: જૂનાગઢ / ગિરનાર પર્વત ચઢતાં બાળક પર હુમલા મામલે 3 સિંહનું રેસક્યૂ, સિંહણની ઊલટીમાંથી માનવ શરીરના ભાગો મળતા સનસનાટી
જૂનાગઢના ગિરનાર પર્વત પર 11 વર્ષના બાળક પર થયેલા સિંહના હુમલા બાદ વન વિભાગે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સાસણની સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમની મદદથી વન વિભાગે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને વધુ બે શંકાસ્પદ યુવાન નર સિંહોને પાંજરે પૂર્યા છે. આ સાથે જ આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં કુલ ત્રણ સિંહોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પકડાયેલા તમામ સિંહોને તાત્કાલિક અસરથી વર્તન અને સ્વાસ્થ્યના ઝીણવટભર્યા પશુચિકિત્સકીય પરીક્ષણ માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે શિફ્ટ કરાયા છે. સક્કરબાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ તેમના પર દેખરેખ રાખી રહી છે, જ્યારે વન વિભાગ સમગ્ર ગિરનાર વિસ્તારમાં હજુ પણ એલર્ટ મોડ પર છે.
સિંહણની ઊલટીમાંથી માનવ શરીરના ભાગો મળતા સનસનાટી
જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં બાળક પર હુમલો કરનાર સિંહણ હતી અને આ સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે. સિંહણના હુમલાની આશંકા વચ્ચે તંત્ર તાબડતોડ એક્શન મોડમાં આવ્યું હતું, જ્યાં પશુચિકિત્સકની તપાસ દરમિયાન સિંહણે કરેલી ઊલટીમાંથી માનવ શરીરના ભાગો મળી આવતા સનસનાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોઈ વન વિભાગની ટીમ, ટ્રેકર્સ અને તબીબોના કાફલાએ ભારે જહેમત બાદ આ હુમલાખોર સિંહણને દબોચી લીધી છે. ભક્તો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ગિરનારનો નવો સીડી માર્ગ આગામી સૂચના સુધી સદંતર બંધ કરી દેવાયો છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં હજુ પણ સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
શું બની છે સમગ્ર ઘટના?
જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને મોંમાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. ભારે શોધખોળ બાદ જંગલમાંથી બાળકના માત્ર કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વન વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે.
50 પગથિયાં ચડતા જ સિંહે પાછળથી બાળક પર હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રાએ આવ્યો હતો. વહેલી સવારે જ્યારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી. બાળકના કુટુંબી કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યાનુસાર, 'પરિવાર ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર જ પહોંચ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી 12 વર્ષના ભત્રીજા મયુરસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને મારા હાથમાંથી જ ખેંચીને ગણતરીની સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો હતો.'
ચીસાચીસ અને ભારે દોડધામ બાદ જંગલમાં શોધખોળ કરતા બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે.આ ઘટનાબાદ સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી આવવા-જવા માટે સૂચના આપવામાં આવી છે.

