Junagadh News: ખેડૂતોને ઉજાગરા કરવાનો વારો, આ મુદ્દે 100 ટકા સબસીડી આપવાની માગ
જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે. ગીરની બોર્ડર પરના ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા રાત ઉજાગરા કરવાનો વારો પડ્યો છે.
ખેડૂતોની રાત્રિની ઊંઘ હરામ થઈ
ગીર કાંઠાનો વિસ્તાર, કે જ્યાં સિંહ દીપડાઓ જેવા ખૂંખાર પ્રાણીઓના ભય વચ્ચે મેંદરડા વિસાવદર માળીયા સહિતના પંથકમાં ખેડૂતો રાત્રિના સમયે ખેતી પાકનું રક્ષણ કરવા મજબૂર બની રહ્યા છે. જંગલની છેવાડાની જમીન ધરાવતા ખેડૂતોની રાત્રિની ઊંઘ હરામ થઈ ગઈ છે. જમીનમાં ઘઉં, ચણા સહિતના પાકનું વાવેતર કરી નાખ્યું છે. ધીમે ધીમે પાક તૈયાર થઈ રહ્યો છે પરંતુ જો ખેડૂત રાત્રિના સમયે ઘરે ઊંઘ કરી જાય તો તેમના પાકનું જંગલી રોજ, ભૂંડ, હરણ સહિતના પશુઓ સોથ વાળી દે છે.
ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતો પરેશાન
જો જંગલી પશુ ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય તેમ છે. આવી સ્થિતિના કારણે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતો રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં આખી રાત બેટરી લઈ પોતાના પાકનું રક્ષણ કરવા રાત ઉજાગરા કરી રહ્યા છે. જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતર ફરતે ફેન્સીંગમાં 30 ટકા જેટલી સબસીડી આપવામાં આવે છે.
100 ટકા સબસીડી આપવા ખેડૂતોની માગ
ખેડૂતોની માંગણી છે કે જો 100 ટકા સબસીડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિ ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુઓ ખેતરના ભેલાણ કરી નાખે છે તે પણ બંધ થઈ જાય અને રાત્રિના સમયે ખેડૂત સારી રીતે ઊંઘી શકે તેમ છે. સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક ફેન્સીંગની યોજનામાં 100 ટકા સબસીડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે.

