VIDEO: ગિરનારના જંગલ અને ખેડૂતોના ઘઉં પર જોખમ: જૂનાગઢમાં કચરાના પહાડમાં ભીષણ આગ
VIDEO: ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢમાં મનપાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગે અનેક રહસ્યો અને વિવાદોને જન્મ આપ્યો છે. કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની કામગીરી ચાલતી હોવા છતાં, અચાનક લાગેલી આ આગ પાછળ ભ્રષ્ટાચાર છુપાવવાનો ખેલ હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.
વગર ટેન્ડરે 5 કરોડનું કામ અને વિવાદ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટેની કામગીરી કોઈ પણ જાતના ટેન્ડર બહાર પાડ્યા વગર જ એક એજન્સીને સોંપી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ કામગીરી અંદાજે 5 કરોડ રૂપિયાની હોવાનું મનાય છે. વિપક્ષનો આક્ષેપ છે કે એજન્સીએ કામમાં મોટા ગફલા કર્યા છે અને તે છુપાવવા માટે જ શંકાસ્પદ રીતે આ આગ લગાડવામાં આવી છે.
સીસીટીવી અને જીપીએસ લોકેશનની માંગ
નિકાલની કામગીરી પારદર્શક છે કે નહીં તે જાણવા માટે વિપક્ષે એજન્સી પાસે સીસીટીવી ફૂટેજ અને ગાડીઓના જીપીએસ (GPS) લોકેશન સહિતની વિગતો માંગી હતી. જોકે, આ વિગતો રજૂ થાય તે પહેલા જ આગ લાગતા અનેક સવાલો ઉઠ્યા છે. વિપક્ષે હવે આ કામગીરીનું બિલ અટકાવવાની માંગ કરી છે.
ખેડૂતો અને જંગલ પર તોળાતું જોખમ
ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સતત દોડધામ કરવા છતાં હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આસપાસના ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર ઉભો છે. ખેડૂતોને ભીતિ છે કે જો આગ વધુ ફેલાશે તો તેમનો આખું વર્ષનો પરસેવો ખાખ થઈ જશે. આ ઉપરાંત આગના ઝેરી ધૂમાડાથી એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગિરનારના જંગલના પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું હોવાની રાવ ઉઠી છે.

