VIDEO: અમદાવાદના કાલુપુરના ઐતિહાસિક જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા, લાખોના કિંમતી આભૂષણોની ચોરી
VIDEO: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરના ઝવેરીવાડની લહેરિયા પોળ સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરોએ અત્યંત ચાલાકીપૂર્વક દેરાસરના ગર્ભગૃહમાં પ્રવેશી લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.
જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, તસ્કરોએ દેરાસરના ગર્ભગૃહના ઉપરના ભાગમાં આવેલા લોખંડના સળિયા અને જાળી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીને અંજામ આપતા પહેલા તસ્કરોએ પુરાવા નાબૂદ કરવાના હેતુથી દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખ્યા હતા, જેથી તેમની હિલચાલ કેદ ન થઈ શકે.
શું-શું ચોરાયું?
તસ્કરો દેરાસરમાંથી ભગવાનના અંગ પરના કિંમતી આભૂષણોની ચોરી કરી ગયા છે, જેમાં મુખ્યત્વે:
સોના-ચાંદીના મુગટ, ટીકા, કપાલી અને ભ્રમર, ચક્ષુ (આંખો)ની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, કુલ રૂ. 7.84 લાખની મતાની ચોરી થઈ હોવાનો અંદાજ છે.
પોલીસ તપાસ તેજ
આ ઘટનાની જાણ થતા જ કાલુપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ઓળખ થઈ શકે.

