VIDEO: જૂનાગઢમાં નકલી દૂધના રેકેટનો પર્દાફાશ; આરોપી રોજ 800 લીટર દૂધ વેચતો, પામોલીન તેલ-પાવડરથી કરાતું ઉત્પાદન
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચાંદની ચોક, નાગલપુર વિસ્તારમાં કાર્યવાહી કરીને ઇકબાલ ચૌહાણ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસ દરમિયાન આરોપીના મકાનમાંથી નકલી દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો પામોલીન તેલ, દૂધ બનાવવાના પાવડર સહિતનો જથ્થો મળી આવ્યો હતો.
નકલી દૂધને અસલી દૂધમાં મિક્સ કરીને કરાતું હતું વેચાણ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ચારથી પાંચ મહિનાથી નકલી દૂધ બનાવવાનું કામ કરતો હતો. આરોપી પામોલીન તેલ, દૂધનો પાવડર અને પાણીનું મિશ્રણ કરીને બનાવટી દૂધ તૈયાર કરતો હોવાની માહિતી મળી છે. ત્યારબાદ આ નકલી દૂધને અસલી દૂધમાં મિક્સ કરીને મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ તપાસમાં આરોપી રોજના અંદાજે 800 લીટર જેટલા દૂધનું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. નાગલપુર તેમજ નાંદરખી ગામની ખાનગી ડેરી મારફતે આ દૂધનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પણ સામે આવી છે. આ રીતે છેલ્લા કેટલાક મહિનાથી નકલી દૂધનું નેટવર્ક ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નકલી દૂધ બનાવવાની સામગ્રી જપ્ત
ક્રાઇમ બ્રાન્ચે આરોપીના મકાનમાં તપાસ કરતાં નકલી દૂધનો જથ્થો તેમજ દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 13 ડબ્બા પામોલીન તેલ, 50 પેકેટ સાગર પાવડર અને 5 બાંચ અમૂલ પાવડર સહિતનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે કુલ ₹86,640નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
નકલી દૂધના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાથી પોલીસે બનાવટી દૂધના નમૂના FSL પરીક્ષણ માટે મોકલ્યા છે. FSLના રિપોર્ટ બાદ નકલી દૂધની ગુણવત્તા અને તેમાં ઉપયોગમાં લેવાયેલા પદાર્થોની વધુ વિગતો સામે આવશે.
આ સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નકલી દૂધના ઉત્પાદન અને વેચાણમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નકલી દૂધના આ રેકેટમાં આગળની તપાસ દરમિયાન વધુ આરોપીઓ અને વેચાણના નેટવર્ક અંગે મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા છે.

