VIDEO: જૂનાગઢમાં PM મોદીના જન્મદિન નિમિત્તે ખાડામાં દીવા પ્રગટાવી કોંગ્રેસનો વિરોધ, કહ્યું- 'વિકાસ ગાંડો થયો છે'
જૂનાગઢમાંથી એક અનોખા વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા રસ્તા પરના ખાડા અને ભરાયેલા પાણીમાં દીવા તરતા મૂકીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.
ખાડાઓમાં દીવા મૂકીને અનોખો વિરોધ
જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાઓ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા રસ્તા વચ્ચે પડેલા ખાડાઓ અને ભરાયેલા પાણીમાં દીવા મૂકીને અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ, સારું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ મળે તેવી પ્રાર્થના કરી, પરંતુ કોંગી કાર્યકરોના જણાવ્યા મુજબ જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તા, ખાડા અને ભરાયેલા પાણીથી પ્રજા હેરાન થઈ રહી છે. મોંઘવારીમાં પીડાતી પ્રજાને આ સ્થિતિ સહન કરવાની ભગવાન શક્તિ આપે તે માટે અમે આ પાણીમાં દીવા પ્રગટાવીને વિરોધ દર્શાવ્યો છે.
ગરીબ પરિવાર ઘીનો દીવો કેવી રીતે પ્રગટાવશે? : કોંગ્રેસ
કોંગ્રેસે જણાવ્યું છે કે જૂનાગઢનો 'વિકાસ ગાંડો થયો છે' અને રસ્તાઓ ખાડાથી ભરાયેલા છે. અમે આ ખાડામાં દીવા પ્રગટાવીને પૂછવા માગીએ છીએ કે આટલી મોંઘવારીમાં સામાન્ય ગરીબ પરિવાર ઘીનો દીવો કેવી રીતે પ્રગટાવે? સાચી ઉજવણી તો ત્યારે ગણાય જ્યારે ગરીબના રસોડામાં ચૂલો સળગે અને આશાનો દીવો પ્રગટે.વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા કાર્યકર્તાઓની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી.

