VIDEO: ગીરના રાજાની વ્યથા; મુખોટું પહેરાવી રેલીઓ કાઢવાથી મારો વિકાસ નહીં, મને મારું જંગલ આપો’
દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની શાળા કોલેજમાં માસુમ બાળકોને સિંહના મુખોટું પહેરાવી રેલીઓ કાઢવામાં આવશે, ભાષણો અપાશે અને સિંહ સંરક્ષણના મોટો મોટો ઢોલ પીટવામાં આવશે. પરંતુ આ આડંબર વચ્ચે ગીરનો રાજા એશિયાટિક સિંહ આજે અત્યંત દુઃખી અને આક્રોશમાં છે.
જો સિંહ બોલી શકતો હોત, તો સરકાર અને સત્તાધીશો સામે તેની આંતરડીનો અવાજ કંઈક આવો હોત? તમે મુખોટું પહેરીને ખુશ થાઓ છો, હું મારું ઘર ખોઈને રઝળું છું! દર વર્ષે 10 ઓગસ્ટે તમે મને ‘એશિયાનું ગૌરવ’ કહીને હજારો બાળકો પાસે મારા ચહેરાના મોરા પહેરાવી રેલીઓ કઢાવો છો. પરંતુ એ કાગળના મુખોટું પાછળ મારી ખરી વ્યથા કોઈ નથી જોતું. મારી વસ્તી આજે વધીને 900 આસપાસ પહોંચી છે, પરંતુ આ વસ્તી વધારો મેં મારી પોતાની ક્ષમતા અને કુદરતી પ્રજનન શક્તિથી કર્યો છે. તેમાં સરકાર કે તંત્ર પોતાના વિકાસના દાવા કરીને સંતોષ ન માણે!
સરકારની નીતિઓ સામે સવાલ
સિંહ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા ઉમેરે છે કે આ દેશમાં 4000 જેટલા વાઘ છે. વાઘની વસ્તી વધતાં જ તેના માટે નવા, નવા ટાઈગર રિઝર્વ બનાવવામાં આવે છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોરિડોર બનાવીને તેને નવું જંગલ આપવામાં આવે છે. જ્યારે સમગ્ર એશિયામાં અમારી વસ્તી માત્ર 900 જેટલી મર્યાદિત હોવા છતાં, અમને એક નવું જંગલ કે સુરક્ષિત અભયારણ્ય આપવાની સરકારની કેપેસિટી કે ઈચ્છાશક્તિ નથી રહી. મને વસ્તીના આંકડા બતાવીને રાજી રાખવામાં આવે છે, પણ રહેવા માટે ઘર (જંગલ) આપવામાં આવતું નથી. આજે ગીરનું મૂળ જંગલ ટૂંકું પડી રહ્યું છે. પરિણામે અમારે અમરેલી, જૂનાગઢ, ભાવનગર કે સોમનાથના મહેસૂલી વિસ્તારો, સીમ, ખેતરો અને માનવ વસાહતો વચ્ચે ભટકવું પડે છે.
દર વર્ષે અમરેલી-પીપાવવા રેલવે ટ્રેક પર ટ્રેન નીચે કચડાઈને અમારા ભાઈ-બહેનો પ્રાણ ગુમાવે છે. હાઈવે પર વાહનોની અડફેટે કે ખુલ્લા કુવાઓમાં પડી જવાથી અમારા કરુણ મોત થાય છે. વીજળીના આંચકા (ઈલેક્ટ્રિક ફેન્સિંગ)થી અમારો શિકાર થઈ રહ્યો છે. જંગલના અભાવે માનવ-પ્રાણી સંઘર્ષ વધી રહ્યો છે અને તેનો વાંક અમારા માથે નાખવામાં આવે છે.
તમામનો વિકાસના દાવા પોકળ માત્ર ઈવેન્ટ મેનેજમેન્ટથી સંરક્ષણ ન થાય
સિંહ દિવસની ઉજવણી માત્ર એક ‘ઈવેન્ટ’ બનીને રહી ગઈ છે. જો દેશમાં દરેક જીવ અને નાગરિકના વિકાસના દાવા થતા હોય, તો ગુજરાત અને ભારતનું ગૌરવ એવા સિંહ માટે નવું વિસ્તારિત જંગલ કે સુરક્ષિત કોરિડોર કેમ નહીં?
સિંહોની સ્પષ્ટ માગણી છે કે અમને તાળીઓ કે બાળકોના મોરા નથી જોઈતા, અમને અમારો પ્રાકૃતિક અધિકાર એટલે કે સુરક્ષિત ‘ઘર’ આપો. જો તંત્ર અને સરકાર સિંહને નવું જંગલ અને સુરક્ષિત આવાસ ન આપી શકતી હોય, તો પછી ૧૦મી ઓગસ્ટે ‘સિંહ દિવસ’ ઉજવવાનો કોઈ નૈતિક અર્થ રહેતો નથી.

