VIDEO: Jamnagar / લાલપુરના ભણગોર નજીક ગંભીર અકસ્માત; સ્વિફ્ટ કારે બાઈકને અડફેટે લેતા દંપતી રોડ પર પટકાયું
ભાણવડ તાલુકાના બોડકી ગામના રહેવાસી મયુરભાઈ બાબુભાઈ કરથીયાની ફરિયાદના આધારે લાલપુર પોલીસ મથકમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, 16 જુલાઈ, 2026ના રોજ સવારે આશરે 10:00 વાગ્યાના સમયે તેમના કાકા ભરતભાઈ વીરાભાઈ કરથીયા પત્ની વેજીબેન સાથે મોટરસાયકલ રજિસ્ટ્રેશન નં. જીજે-01-ડીસી-4082 ઉપર બેસીને ભણગોર ગામેં દર્શન કરવા જઈ રહ્યા હતા. તેમની આગળ મયુરભાઈના પિતા તથા માતા અલગ-અલગ મોટરસાયકલ પર નીકળ્યા હતા.
ભણગોર ગામના પાટિયા નજીક પહોંચતા પાછળથી આવેલી સફેદ રંગની સ્વિફ્ટ કાર નં. જીજે-10-બીઆર-8800ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે ભરતભાઈ અને તેમની પત્ની રોડ પર પટકાયા હતા. ઘટનામાં ભરતભાઈને માથામાં, ડાબા પગમાં તેમજ ફેફસામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પત્નીને ઇજા થઈ નહોતી.
ઈજાગ્રસ્ત ભરતભાઈને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે લાલપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ઓશવાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, અને તેમની હાલત ગંભીર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે ફરિયાદના આધારે સ્વિફ્ટ કારના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી ગંભીર ઇજાઓ પહોંચાડવા બદલ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

