આજે શ્રાવણનો પહેલો સોમવાર,સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કર્યા દર્શન
આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે આજે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સોમનાથ મહાદેવને રીઝવવા શિવભક્તો જલ, પુષ્પ, ફુલહાર લઈને સોમનાથ પહોંચ્યા છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર સવારે 4:00 વાગ્યે ખુલી ગયા હતા. ભાવિકો શાંતિપૂર્ણ દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થાઓ પણ કરી છે. બેરિકેટ સાથે પોલીસનો ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાહનો માટે પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવાયો છે. સોમનાથ દાદાના દર્શન કરવા દૂર-દૂરથી પગપાળા પ્રવાસ કરી સોમનાથ પહોંચ્યા છે. દેશભરમાંથી લાખોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યાં છે. સોમનાથ મંદિરથી ભગવાન સોમનાથની પાલખીયાત્રા પણ નીકળશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સજોડે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધન્ય બન્યા.

સવારે 8 વાગ્યા સુધીમા 15 હજારથી પણ વધુ લોકોએ સોમનાથ મહાદેવના દશઁન કરી ચુક્યા હતા . મહાપૂજા ,આરતીનો લાભ લઈ ભાવિકો ધન્ય બન્યા હતા. હરિદ્વારથી કાવડ લઈ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું.

