બાળકોના સ્વાસ્થ્ય માટે ઐતિહાસિક નિર્ણય: ગીર સોમનાથના બે ગામમાં પડીકા પર સંપૂર્ણ પ્રતિબંધ

આજની કહેવાતી આધુનિક જીવનશૈલીમાં વધતા જતા હૃદયરોગ, મેદસ્વિતા અને કેન્સર જેવા ગંભીર રોગો સામે ગુજરાતના બે ગામે અનોખી ચળવળ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલા આદ્રી અને ઉમરેઠી ગ્રામ પંચાયતે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ફેક્ટરીઓમાં બનતા બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ ફૂડ એટલે કે પડીકા પર સર્વસંમતિથી પૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો છે.
આખરે બે ગામે કેમ લેવો પડ્યો આ નિર્ણય?
છેલ્લા કેટલાક સમયથી ગ્રામીણ વિસ્તારોમાં બાળકોની ખાવા-પીવાની આદતોમાં મોટું પરિવર્તન આવપ્યું છે. આ બાળકો પણ ઘરનો પૌષ્ટિક આહાર છોડીને મસાલેદાર અને તળેલા પેકેજ્ડ ફૂડ તરફ વળ્યા છે, જે બાળકોના આરોગ્ય માટે અત્યંત જોખમી છે.
સ્વાસ્થ્ય પર જોખમ: પડીકામાં વપરાતું વધુ પડતું મીઠું (સોડિયમ) અને કેમિકલયુક્ત 'પ્રિઝર્વેટિવ્સ' બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે.
ગંભીર બીમારીઓ: અગાઉ શહેરો પૂરતા મર્યાદિત ગણાતા કેન્સર, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક જેવા રોગો હવે નાની વયના ગ્રામીણ બાળકો અને મોભીઓમાં પણ જોવા મળી રહ્યા છે, જે
ચિંતાનો વિષય છે.
ઘણાં બધા સૂકા નાસ્તા પર પ્રતિબંધ નથી
ઉમરેઠી અને આદ્રી ગ્રામ પંચાયતે સત્તાવાર લેખિત જાહેરાત કરીને આસપાસના તમામ વિસ્તારોને આ પ્રતિબંધની જાણ કરી છે. તેમાં સ્પષ્ટતા પણ કરાઈ છે કે, કયા સૂકા નાસ્તા પર પ્રતિબંધ છે અને શેના પર નથી.
પ્રતિબંધિત પડીકા : વેફર્સ, કુરકુરે, ફ્રાયમ્સ, મેગી, પાસ્તા, સાબુદાણાની તળેલી વસ્તુઓ, સાદી કચોરી, ભાખરવડી, વીલ, પોપરિંગ, ટોર્નેડો ગિપ્પી, તમામ પ્રકારના ભૂંગળા અને પ્રોસેસ્ડ પેકેટ ફૂડ.
મંજૂર થયેલા સૂકા નાસ્તા : પરંપરાગત નાસ્તા જેવા કે સેવ, ગાંઠિયા, ચણા, દાળ અને ચવાણું વેચવા માટે મંજૂરી અપાઈ છે.
સ્થાનિક મહિલાઓ બનાવશે પૌષ્ટિક નાસ્તો
આ નિર્ણય લઈને બંને ગામે એક કાંકરે બે નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. આ ગામના લોકોએ નક્કી કર્યું છે કે ગામની જરૂરિયાતમંદ અને રસ ધરાવતી મહિલાઓ ઘરે જ સ્વચ્છ અને પૌષ્ટિક નાસ્તો તૈયાર કરશે. આ નિર્ણય માત્ર પ્રતિબંધ પૂરતો સીમિત નથી, પરંતુ સ્થાનિક આર્થિક વિકાસનું પણ ઉદાહરણ પણ પૂરું પાડે છે.
આ નાસ્તો ગામમાં વેચવાથી બાળકોને તાજો અને આરોગ્યપ્રદ ખોરાક મળશે, જ્યારે બીજી તરફ ગ્રામીણ મહિલાઓને ઘરઆંગણે જ સ્થાનિક રોજગારી મળી રહેશે. આ અંગે એક સ્થાનિક અગ્રણી નંદુબેન ભમ્મરે કહ્યું હતું કે, ‘બાળકોના કૂમળા વિકાસને બચાવવો એ આપણી પ્રાથમિકતા છે. બિનઆરોગ્યપ્રદ પડીકા ગામનું ભવિષ્ય બગાડી રહ્યા હતા. પંચાયત અને ગ્રામજનોએ સાથે મળીને આ આવકારદાયક નિર્ણય લીધો છે, જેથી બાળકો ચોખ્ખો આહાર લે અને ગામનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.’

