નીતિન પટેલની એક પોસ્ટથી ગુજરાત ભાજપમાં ખળભળાટ! 3 નેતાઓને આપ્યા અભિનંદન, પરંતુ રોહન ગુપ્તાની બાદબાકી

Gujarat BJP Internal Rift : ભાજપ હાઇકમાન્ડે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના 4 નેતાઓને સ્થાન આપતાં રાજ્યનું રાજકીય કદ વધ્યું છે. પરંતુ, આ જાહેરાતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને નવો રાજકીય વિવાદ છેડ્યો છે. નીતિન પટેલે નવી ટીમમાં નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતુ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાને અભિનંદન પાઠવવાનું ટાળ્યું હતું. આ ઘટના બાદ ભાજપના આંતરિક વર્તુળોમાં 'મૂળ ભાજપી' વિરુદ્ધ 'આયાતી' નેતાઓની લડાઈ સપાટી પર આવી ગઈ છે.
ત્રણ નેતાઓને નામજોગ શુભેચ્છા, પણ રોહન ગુપ્તાની બાદબાકી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ સંગઠન સાથે એકનિષ્ઠ રહીને કામ કરનારા જગદીશ પટેલ, વર્ષાબેન દોશી અને હેમાંગ જોશીને વિશેષ રૂપે નામજોગ અભિનંદન આપ્યા હતા. જોકે, આ શુભેચ્છા યાદીમાં રાષ્ટ્રીય મંત્રી જેવા મહત્ત્વના પદ પર સ્થાન મેળવનારા મૂળ કોંગ્રેસી અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તાના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો.
હાઇકમાન્ડની નીતિ સામે આડકતરો અસંતોષ
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, નીતિન પટેલનું આ મૌન કોઈ આકસ્મિક ભૂલ નથી પરંતુ એક સુનિયોજિત રાજકીય પ્રતિક્રિયા છે. વર્ષો સુધી પક્ષ માટે લોહી-પાણી સીંચનારા વફાદાર નેતાઓને હાંસિયામાં ધકેલી પક્ષપલટુ નેતાઓને સીધા રાષ્ટ્રીય સ્તરે લાલ જાજમ બિછાવી હોદ્દા આપી દેવાની હાઇકમાન્ડની નીતિ સામે આ આડકતરો વિરોધ મનાઈ રહ્યો છે. પક્ષના પાયાના કાર્યકરોમાં પણ લાંબા સમયથી 'આયાતી' નેતાઓના વધી રહેલા પ્રભુત્વ સામે આંતરિક અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

