Gujaratમાં ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ ઝડપી બનશે; ટેન્ડર મંજૂરી માટે નવી સમયમર્યાદા જાહેર, વિલંબ થશે તો અધિકારીઓ સામે પગલાં

ગુજરાતમાં વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને તથા વહીવટી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કામોને ગતિ આપવા માટે ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્ત્વપૂર્ણ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા માટે લાંબો સમય લાગતો હતો, પરંતુ હવે કડક સમયમર્યાદા લાગુ થવાથી પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થઈ શકશે.
ટેન્ડર મંજૂરી માટે 51 થી 66 દિવસની નિશ્ચિત સમયમર્યાદા
પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. આ સ્થિતિમાં ફેરફાર કરીને હવે બે અલગ-અલગ શ્રેણી માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જે કામોમાં પૂર્વ પાત્રતાની જોગવાઈ હોતી નથી અને માત્ર ફાયનાન્સિયલ બીડ હોય છે, તેવા ટેન્ડરો માટે ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં જ પૂર્ણ કરવાની રહેશે. જ્યારે જે કામોમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ હોય અને ટેક્નિકલ તથા ફાયનાન્સિયલ એમ બે બીડ હોય, તેવા ટેન્ડરોની ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત, ટેન્ડરની વેલિડિટીનો પ્રવર્તમાન 120 દિવસનો ગાળો ઘટાડીને હવે 90 દિવસ કરી દેવામાં આવ્યો છે.
વાટાઘાટો પર નિયંત્રણ અને જવાબદારી નક્કી કરવાની જોગવાઈ
નિયમો અનુસાર બહોળી પ્રસિદ્ધિ આપીને એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સાઓમાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો (Negotiation) કરવાનું ટાળવા આદેશ કરવામાં આવ્યો છે. જો વાટાઘાટો કરવી અનિવાર્ય જ બને, તો તે માત્ર એક જ સ્તરે એટલે કે સક્ષમ સત્તાધિકારી કક્ષાએ જ પૂર્ણ કરવાની રહેશે અને એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં. આ પ્રક્રિયામાં જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય, તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઈને જે-તે અધિકારીની જવાબદારી સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવશે. આ ઉપરાંત, અધૂરી દરખાસ્તોને કારણે થયેલા વિલંબની સંપૂર્ણ જવાબદારી પણ દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની જ રહેશે તેવું પણ સ્પષ્ટ કરાયું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મળશે વેગ અને નાગરિકોને સુવિધા
મુખ્ય પ્રધાન દ્વારા લેવાયેલા આ નિર્ણયોના પરિણામે રાજ્યમાં રસ્તાઓ, પુલો અને સરકારી મકાનો સહિતના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા અત્યંત ત્વરિત અને વધુ પારદર્શક બનશે. આનાથી તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં શરૂ કરી શકાશે અને પ્રજાજનોને સમયસર સુવિધાઓનો લાભ મળતો થવાથી રાજ્યમાં 'ઈઝ ઓફ લિવિંગ' (Ease of Living) માં પણ સારો એવો વધારો થશે.

