VIDEO: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: 75 વર્ષ જૂના કાયદામાં મોટો ફેરફાર, લાખો જમીન ધારકોને બખ્ખાં!
ગુજરાત સરકારે રાજ્યના લાખો ખેડૂતો, જમીન ધારકો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે અંદાજે 75 વર્ષ જૂના એટલે કે વર્ષ 1947ના ‘ટુકડા ધારા’ (Prevention of Fragmentation and Consolidation of Holdings Act)માં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. ખાસ વાત એ છે કે, આ સુધારાના ખરડાને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તરફથી પણ આખરી મંજૂરી મળી ગઈ છે, જેથી હવે આ નવો કાયદો અમલી બનશે. સરકારના આ નિર્ણયથી જમીન સંબંધી વિવાદો, કોર્ટ કચેરીના ચક્કર અને નાણાં તેમજ સમયનો થતો વ્યયનો અંત આવશે.
વર્ષ 1948 થી થયેલા તમામ ભંગ પેનલ્ટી વિના વિનિયમિત થશે
આ સુધારાની સૌથી મોટી અને ઐતિહાસિક રાહત એ છે કે, વર્ષ 1948થી લઈને અત્યાર સુધીના તમામ ટુકડા ધારાના ભંગના કિસ્સાઓને સરકાર કોઈપણ પ્રકારની દંડ કે પેનલ્ટી વસૂલ્યા વિના વિનિયમિત (નિયમિત) કરી દેશે. આ નિર્ણયથી ભૂતકાળમાં અજાણતા કે મજબૂરીમાં થયેલી ભૂલોના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લાખો પરિવારોને કાયદાકીય કનડગતમાંથી કાયમી મુક્તિ મળશે.
સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ
અત્યાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં ટુકડા ધારાના અલગ-અલગ સ્થાનિક નિયમોના કારણે જમીનની લે-વેચમાં ભારે ગૂંચવાડો અને ભ્રષ્ટાચાર થતો હતો. હવે સરકારે આ સ્થાનિક ગૂંચવાડાઓનો કાયમી અંત આણી દીધો છે. નવા સુધારા મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે, જેથી જમીનના વ્યવહારો અત્યંત સરળ અને પારદર્શક બનશે.
શહેરી વિસ્તારો ‘ટુકડા ધારા’ની અસરમાંથી 100% મુક્ત
શહેરોના ઝડપી વિકાસને વેગ આપવા માટે સરકારે બીજો એક મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યના તમામ શહેરી વિસ્તારોને ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક છૂટછાટના કારણે શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા સુપર ઝડપી બનશે. નવા બાંધકામો અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ઝડપથી આકાર લઈ શકશે. જમીન લે-વેચના વ્યવહારોમાં આવતી કાયદાકીય અડચણો દૂર થતાં શહેરોનો સર્વાંગી વિકાસ ઝડપી બનશે.
ખેડૂતો અને જમીન ધારકોમાં ખુશીનો માહોલ
સરકારના આ નિર્ણયને પગલે ગુજરાતભરના ખેડૂત સંગઠનો અને જમીન ધારકોને રાહત થશે. આ સુધારાથી માત્ર વહીવટી પ્રક્રિયા જ સરળ નહીં બને, પરંતુ જમીનની લે-વેચમાં પારદર્શિતા આવવાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે અને વિવાદોનું પ્રમાણ નહિવત થઈ જશે.

