Gandhinagar news: હરિયાળા ગાંધીનગરના સેકટર-3માં 100 વર્ષ જૂનું આંબાનું વૃક્ષ કાપતા વિવાદ, પ્રકૃત્તિપ્રેમીઓમાં આક્રોશ

Gandhinagar news: ગુજરાત રાજ્યની હરિયાળી રાજધાની એવા ગાંધીનગર શહેરમાં વિકાસના નામે સેંકડો નહીં પણ હજ્જારો વૃક્ષોનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. ત્યારે સે-૩માં પ્લોટિંગ પાડયા બાદ અહીં આવેલા 100 વર્ષ જૂના આંબા ઘટનાદાર વૃક્ષને રજાના દિવસે કાપવાની શંકાસ્પદ પ્રવૃત્તિ સામે પ્રકૃતિ પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો છે. અહીં દેખાવો કરવામાં આવ્યા છે. ત્યારે ખાનગી પ્લોટધારકની અરજીને ધ્યાનમાં રાખીને આ વૃક્ષ કાપવામાં આવ્યું હોવાનો બચાવ વનવિભાગ કરી રહ્યું છે.
એક સમયના સૌથી ગ્રિનેસ્ટ કેપિટલમાં આવતા ગાંધીનગરમાં વિકાસની આંધળી દોડમાં સેંકડો નહીં પણ હજ્જારો વૃક્ષોનો સોથ કાઢી નાંખવામાં આવ્યો છે જેના પગલે હાલ ગાંધીનગરમાં હરિયાળીને બદલે સિમેન્ટ કોંક્રેટના જંગલો ઉભા થઇ ગયા છે. આવી સ્થિતિ વચ્ચે સેક્ટર-3માં 100 વર્ષ જૂના આંબાના વૃક્ષને રજાના દિવસે કાપવાની પ્રવૃત્તિ વનવિભાગ દ્વારા કરવામાં આવતી હતી. જેના પગલે સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને જોતજોતામાં તો ત્યાં પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડયા હતા. જો કે, ત્યાં સુધીમાં તંત્રની કટર ટીમ દ્વારા ઘટાદાર ફળાઉ વૃક્ષને જમીનદોસ્ત કરી દીધું હતું. ત્યારે ત્યાં જઈને પ્રકૃતિ રક્ષા અભિયાનના મેહુલ તુવાર અને તેમની ટીમ તથા શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ અને તેમના સ્વયંસેવકો પહોંચી ગયા હતા અને ત્યાંથી લાકડાં સહિતનો મુદ્દામાલ લઇ જવા દેવામાં આવ્યો ન હતો એટલું જ નહીં, અહીં પર્યવરણ બચાવો, વૃક્ષ બચાવો સહિતના બેનરો સાથે ઉગ્ર વિરોધ-દેખાવો પણ કર્યા હતા.
જો કે, આ અંગે વનવિભાગનું એમ કહેવું છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સે-3માં ઘણા વખતથી અહીં પ્લોટિંગ બહાર પાડયા છે આ પ્લોટના માલિક દ્વારા વનવિભાગને ચાર મહિના પહેલા આ વૃક્ષ નડતું હોવા અંગે લેખિતમાં અરજી કરી હતી જેનું ચલણ ભર્યા બાદ આ વૃક્ષ કાપવામાં આવ્યું છે. તો બીજીબાજુ પ્રકૃતિ પ્રેમીઓનું કહેવું છે કે, પ્લોટથી વૃક્ષ દૂર હોવા છતાં લાગવગ અને દબાણને પગલે આ વૃક્ષ કાપવાની હિન પ્રવૃત્તિ વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.
ફક્ત 1,676 રૂપિયામાં ઘટાદાર ફળાઉ આંબાનું વૃક્ષ કાપી નાંખ્યું...
ગાંધીનગર શહેરના સેક્ટર-3ડીમાં પ્લોટિંગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યા બાદ આ પ્લોટિંગની જગ્યાએ માલિક દ્વારા મકાન બનાવવાનું હોવાથી નડતરરૂપ આંબાનું વૃક્ષ કાપવા માટે વનવિભાગને અરજી કરી હતી જેના જવાબમાં વનવિભાગ દ્વારા બેંકના ચલણથી રૃપિયા ભરાવ્યા હતા. કુલ 1,676 રૂપિયાનું ચલણ ભરવાની સાથે વનવિભાગ દ્વારા આ ઘટાદાર અને ફળાઉ 100 વર્ષ જૂના આંબાના વૃક્ષને કાપવાની વિધિ રજાના દિવસે હાથ ધરી હતી. જેના પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. વનવિભાગ કોઈ પણ નડતરરૂપ 100 વર્ષ જૂના અને ફળાઉ-ઘટાદાર વૃક્ષની કિંમત ફક્ત 1,676 રૂપિયાં જ આંકે છે. જે ખૂબ જ દુઃખની બાબત છે. વનવિભાગ જ વૃક્ષની કિંમત સમજતું નથી તો સામાન્ય લોકોને વૃક્ષ વાવવા અને તેનું જનત કરવા કઇ રીતે સમજાવવા તે પ્રકૃતિ પ્રેમીઓ માટે મોટો સવાલ છે.

