ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના વાદળો! વરસાદ ખેંચાતા 78.55 લાખ હેક્ટરનો પાક જોખમમાં

ગુજરાતમાં ચોમાસું (Monsoon) હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, ત્યારે રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 75.25% વરસાદ નોંધાયો છે, જ્યારે ખેડૂતો દ્વારા ખરીફ સિઝન (Kharif Season)માં 92.08% વિસ્તારમાં વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વરસાદ ખેંચાઈ જતાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો છે.
જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો હજારો હેક્ટરમાં ઊભો પાક બળી જવાની અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન (Economic Loss) થવાની ભીતિ છે.
78.55 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર
છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પ્રમાણે ગુજરાતમાં ખરીફ સિઝનમાં આશરે 85.30 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 78.55 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ છે, જે સામાન્ય વાવેતરના 92.08% જેટલું છે.
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
| ઝોન | સરેરાશ વરસાદ | ચાલુ વર્ષે વરસાદ | વરસાદની ટકાવારી |
|---|---|---|---|
| કચ્છ | 500 મિમી | 146 મિમી | 29.29% |
| ઉત્તર ગુજરાત | 730 મિમી | 410 મિમી | 56.23% |
| મધ્ય-પૂર્વ ગુજરાત | 819 મિમી | 613 મિમી | 74.91% |
| સૌરાષ્ટ્ર | 762 મિમી | 426 મિમી | 56.01% |
| દક્ષિણ ગુજરાત | 1542 મિમી | 1594 મિમી | 103.40% |
| ગુજરાત કુલ | 909 મિમી | 683 મિમી | 75.25% |
આંકડા દર્શાવે છે કે દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ નબળી છે. કચ્છમાં સૌથી ગંભીર સ્થિતિ છે, જ્યાં સરેરાશની સરખામણીએ માત્ર 29.29% વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદની ઘટ ધરાવતા જિલ્લા
| જિલ્લો | વરસાદની ઘટ |
| દેવભૂમિ દ્વારકા | 93.59% |
| પોરબંદર | 81.88% |
| જામનગર | 71.12% |
| કચ્છ | 70.71% |
| અરવલ્લી | 53.78% |
| સાબરકાંઠા | 53.39% |
| ગીર સોમનાથ | 53.38% |
| રાજકોટ | 52.91% |
દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની અછત સૌથી વધુ છે. લાંબા સમયથી વરસાદ ન પડતાં અનેક વિસ્તારોમાં જમીનમાં ભેજ (Soil Moisture) ઘટી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર
ચાલુ ખરીફ સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 36.60 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં 16.53 લાખ હેક્ટર અને મધ્ય ગુજરાતમાં 14.35 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
| ઝોન | વાવેતર વિસ્તાર |
| કચ્છ | 4,33,700 હેક્ટર |
| ઉત્તર ગુજરાત | 16,53,800 હેક્ટર |
| મધ્ય ગુજરાત | 14,35,800 હેક્ટર |
| સૌરાષ્ટ્ર | 36,60,300 હેક્ટર |
| દક્ષિણ ગુજરાત | 6,41,500 હેક્ટર |
| કુલ | 78,55,100 હેક્ટર |
મગફળી, સોયાબીન અને કઠોળના પાક પર સૌથી મોટું જોખમ
ખેડૂતોએ મગફળી, સોયાબીન, તુવેર અને અડદ જેવા પાકોમાં મોટા પાયે વાવેતર કર્યું છે. જોકે હવે વરસાદ ખેંચાતા આ પાકો પર સંકટ ઊભું થયું છે.
| પાક | વાવેતર વિસ્તાર | વાવેતર ટકાવારી |
| મગફળી | 20,63,453 હેક્ટર | 104.73% |
| સોયાબીન | 3,03,240 હેક્ટર | 104.80% |
| કપાસ | 21,41,059 હેક્ટર | 89.84% |
| ડાંગર | 8,80,150 હેક્ટર | 99.06% |
| તુવેર | 2,71,066 હેક્ટર | 105.70% |
| અડદ | 86,531 હેક્ટર | 108.89% |
| મકાઈ | 2,71,406 હેક્ટર | 95.85% |
| બાજરો | 1,59,758 હેક્ટર | 89.07% |
| ઘાસચારો | 8,32,367 હેક્ટર | 81.01% |
| શાકભાજી | 2,40,484 હેક્ટર | 89.97% |
| કુલ ખરીફ વાવેતર | 78,55,131 હેક્ટર | 92.08% |
હવે ખેડૂતોની નજર આકાશ તરફ
ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વાવેતર કરી દીધું હતું. પરંતુ ત્યારબાદ વરસાદમાં લાંબો વિરામ પડતા પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ખરીફ પાક (Kharif Crop)ને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતો હવે વરસાદની આશા રાખી રહ્યા છે, કારણ કે સમયસર વરસાદ નહીં પડે તો અત્યાર સુધી કરેલી મહેનત અને ખર્ચ બંને પાણીમાં જવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

