Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Bridge Update: 36 bridges of Narmada Canal in Gujarat ordered to be closed, 5 more dangerous bridges completely closed

Bridge Update: ગુજરાતમાં નર્મદા કેનાલના 36 બ્રિજ બંધ કરવા આદેશ, 5 વધુ જોખમી પુલ સંપૂર્ણ બંધ કરી દેવાયા

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Bridge Update: ગુજરાતમાં નર્મદા કેનાલના 36 બ્રિજ બંધ કરવા આદેશ, 5 વધુ જોખમી પુલ સંપૂર્ણ બંધ કરી દેવાયા
સોર્સ : gstv

Bridge Update : રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જ્યારે 5 પુલને સંપૂર્ણપણે બંધ કરાયા છે અને 4 પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

App Store

69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં 17.92 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે 69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાના માર્ગોને જોડતાં આશરે 2,110 જેટલા પુલ કાર્યરત છે. આ પુલની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલનું વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

ગુજરાતના આ 5 પુલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા
આ નિરીક્ષણ અભિયાનના તારણના આધારે, ટ્રાફિક માટે જોખમી જણાઈ આવેલા કુલ 5 પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય 4 પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે, નર્મદા કેનાલ પર સ્થિત બાકીના 2,065 નાના-મોટા પુલની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને સૂચના આપવામાં આવી છે.

કયા પુલ સંપૂર્ણપણે બંધ કરાયા

1. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.

2. મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે 151 અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.

3. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.


4. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.

5. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.

ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા પુલ

1. અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ.

2. અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.

3. અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.

4. પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલ.

રાજ્યના નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત પરિવહન પુલ પર સતત ભારણ અને પર્યાવરણીય પરિબળોની અસર થતી રહે છે. આવા સમયે સંભવિત જોખમોને ઓળખવા અને તેને સમયસર દૂર કરવા માટે નિયમિત નિરીક્ષણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે જ, પુલનું નિરીક્ષણ અને સમારકામ એક સતત ચાલતી પ્રક્રિયાનો મુખ્ય ભાગ છે. ભવિષ્યમાં પણ નિયમિત નિરીક્ષણ અને સમયસર જાળવણી દ્વારા પુલની સુરક્ષા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવામાં આવશે.