Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : BJP MLA Raman Vora faced with being a 'false farmer', land bought with false documents to be acquired

VIDEO: ભાજપના ધારાસભ્ય રમણ વોરાને ‘ખોટા ખેડૂત’ બનવું ભારે પડ્યું, ખોટા દસ્તાવેજોથી ખરીદેલી જમીન રકાર હસ્તક કરાશે

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ઈડરના ભાજપના વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરાને ‘ખોટા ખેડૂત’ બનવું ભારે પડ્યું છે. સત્તા અને રાજકીય વગનો દુરુપયોગ કરીને પોતાના જ મતવિસ્તાર ઇડર નજીકના દાવડ ગામમાં ખોટા દસ્તાવેજોના આધારે પુત્ર અને પત્નીના નામે ખરીદેલી 7 એકરથી વધુની ખેતીની જમીન હવે સરકાર હસ્તક (શ્રી સરકાર) કરવાનો આદેશ ઇડર મામલતદાર દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં શાસક પક્ષના વર્તમાન ધારાસભ્ય સામે થયેલી આ પ્રકારની આ કદાચ પહેલી મોટી કાર્યવાહી છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

App Store

શું છે સમગ્ર જમીન કૌભાંડ?

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રમણલાલ વોરા ખોટા દસ્તાવેજો રજૂ કરીને કાયદાકીય રીતે ‘ખેડૂત ખાતેદાર’ બન્યા હતા. તેમણે ઈડરના દાવડ ગામમાં સર્વે નંબર 792 અને સર્વે નંબર 548 હેઠળની 7 એકરથી વધુની કિંમતી જમીન પોતાના પુત્ર સુહાગ વોરા, ભૂષણ વોરા અને પત્ની કુસુમબેન વોરાના નામે ખરીદી લીધી હતી. સત્તાના નશામાં આચરવામાં આવેલો આ ખેલ લાંબો સમય ચાલ્યો નહીં અને સમગ્ર મામલો કૃષિ પંચ (ગણોત પંચ) સમક્ષ પહોંચ્યો હતો.

વારંવાર સમન્સ છતાં પુરાવા ન આપ્યા, 300 ટકા દંડ પણ ન ભર્યો

કૃષિ પંચમાં ફરિયાદ નોંધાયા બાદ કાયદાનો સિંકજો કસાતો ગયો હતો. ઇડરના મામલતદાર પૂજા જોશીએ કોઈ પણ રાજકીય દબાણમાં આવ્યા વિના કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ આકરો નિર્ણય લીધો છે. મામલતદાર કોર્ટ દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરા અને તેમના પરિવારના સભ્યોને પોતાનો પક્ષ રાખવા અને સાચા ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, રાજકીય પ્રોટોકોલ પાછળ ભરાઈને ધારાસભ્ય કે તેમનો પરિવાર એક પણ મુદતમાં હાજર રહ્યો નહોતો અને પોતે સાચા ખેડૂત છે તે સાબિત કરી શક્યા નહોતા. આથી, ગણોત ધારાના ભંગ બદલ તંત્ર દ્વારા તેમને જંત્રી મુજબનો 300 ટકા જેટલો મસમોટો દંડ ભરવા આદેશ કરાયો હતો, પરંતુ તેમણે આ દંડ પણ ભર્યો નહોતો.

હવે ગાંધીનગર-પાલેજની જમીન પર પણ સંકટ

રમણલાલ ઇશ્વરભાઈના મળતા નામે અટક વિનાનો દાખલો મેળવીને ધારાસભ્ય રમણલાલ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામમાં પણ સાડા 3 એકર જેટલી ખેતીની જમીન ખરીદી હોવાનો ધડાકો થયો છે. આ જમીનનો વિવાદ પણ એટલો વકર્યો છે કે, ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરાના ખોટા ખેડૂત પ્રકરણની તપાસ કરવા છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. હવે દાવડની જમીન બાદ ગાંધીનગર-પાલેજની જમીન પર સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

રાજકીય કારકિર્દી પર ગ્રહણ, ફોજદારી ફરિયાદની માંગ

રમણલાલ વોરા ભાજપના સિનિયર દલિત નેતા છે અને અગાઉની સરકારોમાં મંત્રીપદ પણ ભોગવી ચૂક્યા છે. આ કૌભાંડમાંથી બચવા માટે તેમણે દિલ્હીના આંટાફેરા પણ માર્યા હતા પરંતુ કોઈ મેળ પડ્યો નથી. થોડા સમય અગાઉ ઈડરના જ એક ગાયનેક ડોક્ટર પણ ખોટા ખેડૂત બન્યા ત્યારે ખુદ મામલતદાર ફરિયાદી બન્યા હતા અને ડોક્ટરને 10 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારે હવે સામાન્ય જનતામાં ચર્ચા છે કે જો કાયદો બધા માટે સરખો હોય તો ધારાસભ્ય વિરુદ્ધ પણ તાત્કાલિક રાહે ફોજદારી ગુનો (FIR) દાખલ થવો જોઈએ.