ગાંધીનગર વાહનવ્યવહાર કચેરી ખાતે 10 હજાર રિક્ષા-ટેક્સીચાલકોનો ઉગ્ર વિરોધ; પ્રશ્નોના ઉકેલ માટે તંત્રએ ફરી 1 મહિનાનો સમય માંગ્યો

ગાંધીનગર વાહનવ્યવહાર કચેરી ખાતે આજે સરકારી તંત્ર અને રિક્ષા-ટેક્સી યુનિયનના પ્રમુખો વચ્ચે પડતર પ્રશ્નોને લઈ મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, બેઠકમાં પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા હજારો રિક્ષા-ટેક્સીચાલકોએ કચેરી બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ અને હોબાળાને પગલે તંત્ર દ્વારા ફરીથી એક મહિનાનો સમય માંગીને મામલો હાલ પૂરતો થાળે પાડવામાં આવ્યો છે.
અગાઉની હડતાળ અને બેઠકનું આયોજન
અમદાવાદ અને ગાંધીનગરમાં રિક્ષા તથા ટેક્સીચાલકો દ્વારા ખાનગી પાસિંગમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સી અને ઓછું ભાડું જેવા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે ગત 7થી 10 સપ્ટેમ્બર સુધી હડતાળ કરવામાં આવી હતી. તે સમયે પણ સરકારી તંત્ર દ્વારા સમય માંગીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ જ બાબતના અનુસંધાને આજે વાહનવ્યવહાર કચેરી, ગાંધીનગર ખાતે રિક્ષા-ટેક્સી યુનિયન, આરટીઓ (RTO), ટ્રાન્સપોર્ટ કમિશનર અને ઓનલાઈન બુકિંગ એપ એગ્રિગેટરના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી.City & Local Guides
સૂત્રોચ્ચાર અને કચેરીનો ઘેરાવ
સવારે મળેલી બેઠકમાં કોઈ સંતોષકારક રાહત ન મળતાં આશરે 10 હજાર જેટલા રિક્ષા-ટેક્સીચાલકો એકત્ર થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરીનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફરીથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિયન પ્રમુખની પ્રતિક્રિયા અને તંત્રની બાંહેધરી
યુનિયન પ્રમુખ ઈમરાન મન્સુરીના જણાવ્યા અનુસાર, સવારે હોબાળો મચ્યા બાદ સાંજે ફરી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે:
સફેદ નંબર પ્લેટમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સી સામે આવતીકાલથી જ કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે.
જ્યારે ભાડું અને ઓલા, ઉબર, રેપિડો જેવી ઓનલાઈન કેબ સર્વિસનું અમદાવાદમાં લાયસન્સ રદ કરવા માટે ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે.
જો નિર્ધારિત સમય બાદ પણ કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવે, તો વિવિધ યુનિયનો દ્વારા ફરીથી આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવશે.
રિક્ષા-ટેક્સી યુનિયનની મુખ્ય માંગણીઓ
સફેદ નંબર પ્લેટવાળા વાહનોમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સીઓ તુરંત બંધ કરાવવી.
ઓનલાઈન બુકિંગ એપ પર સરકારના ધારાધોરણો મુજબ જ યોગ્ય ભાડું ચૂકવવામાં આવે.
ઓલા, ઉબર અને રેપિડોનું અમદાવાદમાં લાયસન્સ રદ કરવું.

