ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.2120ની લાંચ લેતા બે ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા માટે સરકારી ફી ઉપરાંત લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા આજે છટકું ગોઠવી બે શખ્સોને રૂ.2120ની લાંચની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે એમ.જે.એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર, જામ ખંભાળિયાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપી ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણીએ ફિટનેસ સર્ટિફિકેટ માટેની રૂ.1500ની સરકારી ફી ઉપરાંત રૂ.2000ની લાંચની માંગણી કરી હતી.
એ.સી.બી.નો સંપર્ક કર્યો
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા આજે ખંભાળિયાના એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ ફરિયાદીને ફી સહિત કુલ રૂ.3500 આપવા જણાવ્યું હતું. ફરિયાદીએ રૂ.3500 આપતાં આરોપીએ તેમાંથી રૂ.1380 ફી પેટે રાખી બાકીની રૂ.2120ની રકમ લાંચ તરીકે સ્વીકારી હતી.
આ દરમિયાન એ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી આરોપી ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી (ઉંમર ૩૩ વર્ષ) એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર, ખંભાળિયામાં મેન્યુઅલી વાહન ચેકિંગનું કામ કરતો તથા કુલદીપસિંહ મહિપતસિંહ વાઢેર (ઉંમર 19 વર્ષ) લાઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતા બંનેને ઝડપી લીધા હતા. બંનેએ એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. છટકા દરમિયાન લાંચની માંગણી કરાયેલી રૂ.2120ની રકમ તથા સ્વીકારાયેલી સમગ્ર રકમ એ.સી.બી. દ્વારા રિકવર કરવામાં આવી હતી.

