Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Dwarkadhish dedicates 13-foot giant rakhi to women's unique protest

VIDEO: દ્વારકાધીશને 13 ફૂટની વિશાળ રાખડી અર્પણ કરી મહિલાઓનો અનોખો વિરોધ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરકાર સમક્ષ માંગ

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા સહિત જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગને લઈને ખેડૂતોની સાથે હવે મહિલાઓ પણ મેદાનમાં ઉતરી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે દ્વારકા જિલ્લાની બહેનોએ અનોખો વિરોધ નોંધાવતા દ્વારકાધીશને 13 ફૂટની વિશાળ રાખડી અર્પણ કરી હતી.

App Store

સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરાઈ 

મહિલાઓએ દ્વારકાધીશ સમક્ષ સરકાર અને કૃષિમંત્રીને સદબુદ્ધિ મળે તથા ખેડૂતોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે બહેનોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદની અછતને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે અને દેવભૂમિ દ્વારકા સહિત ચારેય જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ દ્વારકાધીશ સૌનું ધ્યાન રાખશે તેવા નિવેદન બાદ ખેડૂતો અને મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી છે. મહિલાઓએ કટાક્ષ કરતાં કહ્યું કે, “જો બધું દ્વારકાધીશ જ સંભાળવાના હોય, તો પછી સરકાર અને કૃષિમંત્રીની શી જરૂર?”

મહિલાઓએ વધુમાં માંગ કરી હતી કે સૌની યોજના હેઠળ જિલ્લાના તમામ ડેમોને પાણીથી ભરવામાં આવે અને પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. પાણી અને ઘાસચારાની અછતને કારણે ખેડૂતો તથા પશુપાલકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત 21 તારીખે ખેડૂતોએ પણ દ્વારકાધીશની પૂજા કરી સરકારને સદબુદ્ધિ મળે તે માટે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. હવે રક્ષાબંધનના દિવસે મહિલાઓ દ્વારા 13 ફૂટની રાખડી અર્પણ કરીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગને વધુ ઉગ્ર બનાવવામાં આવી છે.