VIDEO: દ્વારકાના શિવરાજપુરમાં 400 વર્ષ જૂની કુસ્તી મેળાની પરંપરા યથાવત
મહાભારત અને રામાયણ કાળથી ચાલી આવતી મલ કુસ્તીની પ્રાચીન પરંપરા આજે આધુનિક યુગમાં પણ જીવંત જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના શિવરાજપુર ગામે ભાદરવી પૂનમના પાવન પર્વે અહીં ભવ્ય મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ અનોખો મેળો છેલ્લા ૪૦૦ વર્ષથી પણ વધુ સમયથી હિન્દુ-મુસ્લિમ એકતા અને કોમી સૌહાર્દના પ્રતીક સમો બની રહ્યો છે. આ વર્ષે પણ ઓખામંડળ, કલ્યાણપુર અને બરડા પંથક પોરબંદર-ભાણવડ જેવા વિસ્તારોમાંથી ૩૦૦થી વધુ કુસ્તીબાજો અખાડામાં ઉતર્યાં હતા. પહેલવાનોએ પોતાની શારીરિક ક્ષમતા અને વિવિધ દાવપેચનું અદ્ભુત પ્રદર્શન કરીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. હજારો લોકો કુસ્તીનો આ રોમાંચક જંગ નિહાળવા અને પરંપરાને બિરદાવવા શિવરાજપુર ખાતે ઉમટી પડ્યા છે. મલ કુસ્તી માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન નથી, પરંતુ સદીઓ જૂની પરંપરા, શિસ્ત અને તંદુરસ્ત જીવનનો સંદેશ છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ દ્વારા આવા મેળાઓ યોજીને શ્રેષ્ઠ પહેલવાનોને સેના કે રાજ્યમાં મહત્વપૂર્ણ હોદ્દા આપવામાં આવતા હતા. આ જ ઐતિહાસિક પરંપરાને આજે દ્વારકાના શિવરાજપુર ગામે યોજાતા મેળામાં જીવંત રાખવામાં આવી છે. આયોજકોનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડવાનો છે. આજના ડિજિટલ યુગમાં, જ્યાં યુવાનો મોબાઈલ અને ઓનલાઈન ગેમિંગમાં વ્યસ્ત છે, ત્યારે આ મેળો તેમને મેદાન સાથે જોડાઈને શારીરિક કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. અખાડામાં દાવપેચની સાથે ભાઈચારો અને શિસ્તના દર્શન થાય છે. આ જ કારણ છે કે ભાદરવી પૂનમે યોજાતો આ મેળો હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

