Video: Dang માં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર પી.પી. સ્વામી, "પ્રયોષા પ્રતિષ્ઠાન" દ્વારા હજારો આદિવાસી બાળકોના જીવનમાં લાવ્યા પરિવર્તન
ગુજરાતના આદિવાસી બહુલ અને પછાત ગણાતા ડાંગ જિલ્લામાં શિક્ષણની ધૂણી ધખાવીને એક સન્યાસીએ અસંખ્ય બાળકોના જીવનમાં ક્રાંતિ લાવી છે. કોઈ પણ જાતની અપેક્ષા કે આર્થિક લાભની આશા રાખ્યા વિના, પી.પી. સ્વામીએ પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી બાળકોને માત્ર માર્ગદર્શન જ નહીં, પરંતુ સંપૂર્ણ સહાય પૂરી પાડીને તેમને શિક્ષિત કર્યા છે. આજે તેઓ ડાંગના આદિવાસી સમુદાયના માનીતા બની ગયા છે.
શિક્ષણથી સશક્તિકરણ
પી.પી. સ્વામીના પ્રયાસો થકી ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાંથી શિક્ષણ મેળવીને આજે આ સમાજના બાળકો દેશના વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહ્યા છે. જે પરિવારો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, અને જે ગરીબ પિતાને IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી) જેવી સંસ્થાઓ વિશે માહિતી નથી, તેવા પરિવારના દીકરાએ IIT દિલ્હીમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કરીને આજે મોટી કંપનીમાં નોકરી મેળવી છે.
"પ્રયોષા પ્રતિષ્ઠાન": આશાનું વટવૃક્ષ
ડાંગ જિલ્લામાં જ્યાં કાચા ઝૂંપડામાં રહેતા લોકો અને 40 ટકા જેટલા લોકો રોજગારી માટે સ્થળાંતર કરવા મજબૂર બને છે, ત્યાં આવા ગરીબ પરિવારના બાળકો માટે વિના મૂલ્યે શિક્ષણની વ્યવસ્થા કરી આપનારા પી.પી. સ્વામીએ દાતાઓના સહકારથી "પ્રયોષા પ્રતિષ્ઠાન" નામની સંસ્થા શરૂ કરી છે. આજે આ સંસ્થા એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે.
પ્રયોષા પ્રતિષ્ઠાનના સ્થાપક પી.પી. સ્વામીએ જણાવ્યું કે, "આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી ડાંગના બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે. આ ઉપરાંત, તેમને રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા પૂરી પાડે છે. જે વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય, તેમને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરાવવામાં પણ સંસ્થા મદદરૂપ થાય છે."
સફળતાના આંકડા
પી.પી. સ્વામી અને પ્રયોષા પ્રતિષ્ઠાનના અવિરત પ્રયાસોના પરિણામ સ્વરૂપ, અત્યાર સુધીમાં સંસ્થામાંથી 182 ઇજનેર, 15 MBBS ડોકટરો, 36 શિક્ષકો અને 55 જેટલા બાળકો સરકારી કર્મચારીઓ બન્યા છે. શિક્ષણ ઉપરાંત, સંસ્થાના બાળકો રમતગમત ક્ષેત્રે પણ ખૂબ આગળ આવ્યા છે. તેમણે રાજ્ય કક્ષાએ અનેક ઇનામો મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે.
પી.પી. સ્વામીનું લક્ષ્ય સ્પષ્ટ છે: "અમારું લક્ષ્ય એવા ગરીબ આદિવાસી બાળકોને મદદ કરવાનું છે જેમને ભણવું છે, તેમને પગભર કરવાના છે." પ્રયોષા પ્રતિષ્ઠાન માત્ર શિક્ષણ જ નથી આપી રહ્યું, પરંતુ ડાંગના આદિવાસી બાળકોને એક ઉજ્જવળ ભવિષ્ય અને આત્મનિર્ભરતાનો માર્ગ પણ ચીંધી રહ્યું છે.

