VIDEO: સાપુતારા ઘાટમાં બાઈકસવાર પર દીપડાનો હુમલો, પ્રવાસીઓમાં ફફડાટ
સોર્સ : gstv
સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટ વિસ્તારમાં બાઈકસવાર પર દીપડાએ હુમલો કરતા ચકચાર મચી છે. સાપુતારા નજીક હનુમાન મંદિર પાસેના ઘાટમાં આ ઘટના બની હતી. સાપુતારા તળેટી વિસ્તારમાં રહેતા અને સાપુતારામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ધુળે બાઈક લઈને ફરજ પર જઈ રહ્યા હતા. દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. ધોળા દિવસે ધમધમતા હાઈવે પર દીપડાના હુમલાથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભય ફેલાયો છે. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ અંગે તકેદારી રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

